આજે વિશ્વ આખું ડોટ કોમ થઈ ગયું છે, ઈન્ટરનેટ વડે જોડાયેલું છે, એવા સમયે આપણા સૌના એડમીન – નિયંતા એવા શ્રીકૃષ્ણને કેમ ભૂલાય ? એથી જ આધુનિક સમયના અને આધુનિક વિચારોવાળા કવિ કૃષ્ણ દવે ભગવાન કૃષ્ણની વ્યાપકતાનો વિચાર કરી કહી ઉઠે છે કે કાનજીની વેબસાઈટ બનાવવા જઉં તો કેટકેટલા નામ ઓછા પડે … માણો આ મધુરું ગીત બે અલગ સ્વરોમાં.
*
Hemal & Aalap Desai
*
Shyamal Saumil
*
વાંસલડી ડૉટ કૉમ, મોરપિચ્છ ડૉટ કૉમ, ડૉટ કૉમ વૃંદાવન આખું,
કાનજીની વેબસાઇટ એટલી વિશાળ છે કે કયાં કયાં નામ એમાં રાખું ?
ધારો કે મીરાંબાઈ ડૉટ કૉમ રાખીએ તો રાધા રિસાય એનું શું ?
વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ ને ક્યાંક ફ્લૉપી ભીંજાય એનું શું ?
પ્રેમની આ ડિસ્કમાં તો એવી એવી વાનગી કે કોને છોડું ને કોને ચાખું ?
કાનજીની વેબસાઇટ..
ગીતાજી ડૉટ કૉમ એટલું ઉકેલવામાં ઊકલી ગઈ પંડિતની જાત.
જાત બળી જાય છતાં ખ્યાલ ના રહે ને એ જ માણે આ પૂનમની રાત.
તુલસી, કબીર, સુર, નરસૈંયો થઈએ તો ઊકલે છે કંઈક ઝાંખું ઝાંખું.
કાનજીની વેબસાઇટ..
એ જ ફક્ત પાસવર્ડ મોકલી શકે છે જેના સ્ક્રીન ઉપર નાચે છે શ્યામ.
એને શું વાઇરસ ભૂંસી શકવાના જેનાં ચીર પૂરી આપે ઘનશ્યામ ?
ઇન્ટરનેટ ઉપર એ થનગનતો આવે, હું કોઈ દિવસ વિન્ડો ના વાખું.
કાનજીની વેબસાઇટ..
– કૃષ્ણ દવે
7 Comments