Press "Enter" to skip to content

મીતિક્ષા.કોમ Posts

સુષુમ્ણામાં રાખો


મિતીક્ષા.કોમના સૌ વાચકમિત્રોને દિપાવલી અને નૂતન વર્ષની શુભેચ્છાઓ.
*
હકીકતને હોવાની ભ્રમણામાં રાખો,
બધી કલ્પનાઓને શમણાંમાં રાખો.

ઈડા પિંગલાની રમત રાતદિન છે,
કદી શ્વાસને પણ સુષુમ્ણામાં રાખો.

જે બેઠા છે એને અચલ બેસવા દો,
તમીજ એટલી તો ઉઠમણામાં રાખો.

ભલે હોય અંધાર ચારે તરફ પણ,
શ્રદ્ધાની બારી ઉગમણામાં રાખો.

ને સુખ જિંદગીમાં છલકતું હો ત્યારે
નજર આવનારી વિટમણામાં રાખો.

તમે બુદ્ધ બનવાને નીકળ્યા છો ‘ચાતક’,
પછી ધ્યાન શા માટે શ્રમણામાં રાખો ?

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

* સુષુમ્ણા – સુષમણા, યોગશાસ્ત્ર પ્રમાણે ત્રણ માંહેની વચલી પ્રધાન નાડી; નાકની વાટે નીકળતો શ્વાસ ડાબો જમણો ન જતાં સમાન ચાલ્યો જતો હોય તે નાડી
* વિટમણા – વિટંબણા, મુશ્કેલી
* શ્રમણા – સંન્યાસિની, પરિવ્રાજિકા, બૌદ્ધ ભિખ્ખુણી કે સાધ્વી

5 Comments

કોઈ હજી પણ રાહ જુએ છે


*
એક નવોઢાની ઊર્મિગઝલ
*

ઘરચોળાં ને પાનેતરનાં મેઘધનુષી રંગો ઓઢી કોઈ હજી પણ રાહ જુએ છે,
આંખોના દરિયામાં મૂકી તરતી કૈં સપનાની હોડી કોઈ હજી પણ રાહ જુએ છે.

શ્વાસ નામનું એક સરોવર કાંઠે આવી છલકાવાની અણી ઉપર છે, (એક તરફ ને) બીજી બાજુ,
બેય અધર, અંગાગ, તરસના ભમ્મરિયાળા કૂવા ખોદી કોઈ હજી પણ રાહ જુએ છે.

સ્પર્શ નામનો રાજકુંવર આવીને એના શ્વેત અશ્વ પર તાણી જાશે, એ આશાએ,
ત્વચા નામની રૂપસુંદરી ભીતરથી શણગારી થોડી કોઈ હજી પણ રાહ જુએ છે.

આંખોના ચશ્મા પહેરીને દૃશ્યોના દરવાજા ઊપર ઊભી ‘ચાતક’ એજ વિચારે,
આવે છે દોડીને મળવા વીતેલા દિવસોની ટોળી ? કોઈ હજી પણ રાહ જુએ છે ?

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

5 Comments

મૌનની રજૂઆત

દિવસ વીત્યા પછીથી જેવી રીતે રાત આવે છે,
વ્યથા ચાલી ગઈ કિન્તુ વ્યથાની યાદ આવે છે.

ઘણા આંસુને અંગત રીતે મળવાનું થયું મારે,
પછી જાણ્યું કે એ લઈને ઘણી ફરિયાદ આવે છે.

એ કંકુપગલે આવે એકલી તો હું વધાવી લઉં,
આ ઢળતી સાંજ, સ્મરણોની લઈ બારાત આવે છે.

અભાગી શબ્દને મળતું નથી નેપથ્ય હોઠોનું,
સુભાગી શબ્દ ભાગે મૌનની રજૂઆત આવે છે.

ગઝલની આંગળી પકડીને ચાલો બે કદમ ‘ચાતક’,
પછી જુઓ, તમારી ચાલમાં શું વાત આવે છે !

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

12 Comments

પાસાં ફરે છે

રાતદિ માળા ફરે છે,
તોય ક્યાં દા’ડા ફરે છે !

મારાથી છૂટ્ટાં પડીને,
મારા પડછાયા ફરે છે !

શહેરને જીવાડવાને,
ગામમાં ગાડાં ફરે છે.

સૂર્યને જોવા સળગતો,
કૈંક ગરમાળા ફરે છે !

લાગણીનાં ચીર પૂરી,
આંસુ ઉઘાડા ફરે છે !

આંખની રૈયત ઉજડવા,
સ્વપ્નનાં ધાડાં ફરે છે.

પ્રેમ અહીંયા જોખમી છે,
સ્પર્શ નખવાળા ફરે છે.

સાબદા રહેજો ચરણ કે,
માર્ગ કાંટાળા ફરે છે.

શ્વાસની ‘ચાતક’ રમત આ,
હર ક્ષણે પાસાં ફરે છે.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

5 Comments

એવું કેમ લાગે છે મને ?

નર મટી નારી થવાનું હોય એવું કેમ લાગે છે મને ?
(આ)બારણું બારી થવાનું હોય એવું કેમ લાગે છે મને ?

એક તો સૂરજ ડૂબ્યાનો વસવસો છે આંખમાં, એની ઉપર,
આંસુ પણ ભારી થવાનું હોય એવું કેમ લાગે છે મને ?

એક સુખથી સો દુઃખો વચ્ચે જ છે સંભાવનાનો વ્યાપ પણ,
મારે ગાંધારી થવાનું હોય એવું કેમ લાગે છે મને ?

આપણે ઈતિહાસ રચવા ક્યાંકથી આવ્યા છીએ પૃથ્વી ઊપર,
હોવું અખબારી થવાનું હોય એવું કેમ લાગે છે મને ?

પિંગળા માની દીધાં મેં શ્વાસનાં અમૃતફળો, ઓ જિંદગી,
ભાગ્ય ઐયારી* થવાનું હોય એવું કેમ લાગે છે મને ?

ગાંસડી રૂની લઈ ‘ચાતક’ વિચારે છે બરફના શહેરમાં,
‘કોઈ ચિનગારી થવાનું હોય એવું કેમ લાગે છે મને ?’

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

* ઐયારી – ચાલાકી, ઠગાઈ

12 Comments

વધારે કૈં નથી


[Painting by Amita Bhakta]

*
અશ્રુઓ જળથી વધારે કૈં નથી,
જિંદગી પળથી વધારે કૈં નથી.

ઊંઘને માનો પથારી જો તમે,
સ્વપ્ન એ સળથી વધારે કૈં નથી.

હસ્તરેખા છે અધૂરા દાખલા,
હાથ કાગળથી વધારે કૈં નથી.

હાર જીત એનો પુરાવો છે ફકત,
પાંચ આંગળથી વધારે કૈં નથી.

હોય ખુદ્દારી જો માનવનું શિખર,
લાચારી તળથી વધારે કૈં નથી.

મિત્રતા છાંયે નીતરતાં ઝાડવાં,
શત્રુ બાવળથી વધારે કૈં નથી.

દેહ પીંજર છે ને પંખી પ્રાણનું,
શ્વાસ સાંકળથી વધારે કૈં નથી.

મસ્ત ઝરણાં જેવી ‘ચાતક’ની ગઝલ,
‘વાહ’ ખળખળથી વધારે કૈં નથી.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

11 Comments