Press "Enter" to skip to content

મીતિક્ષા.કોમ Posts

સ્હેલી છે?

[Above: Painting by Donald Zolan]
*
પકડાવાના ડરની વચ્ચે પર્ચી કરવી સ્હેલી છે?
આંખોમાંથી સપનાંની તફડંચી કરવી સ્હેલી છે?

ઈશ્વર આવીને પૂછે કે તકલીફ હો તો કહો અમને,
ઈશ્વર સામે હો તો આંગળી ઊંચી કરવી સ્હેલી છે?

મુશ્કેલી સામે છપ્પનની છાતી કરતા માણસને
પૂછો, સિંહોના ટોળામાં ચીંચી કરવી સ્હેલી છે?

ફૂંક લગાવી મીણબત્તીને હોલવનારા શું જાણે,
સામે ચાલીને ઘડપણને બચ્ચી કરવી સ્હેલી છે?

જીવનનો મતલબ છે ‘ચાતક’ શ્વાસે શ્વાસે પાણીપત,
રોજ સમયની સાથે માથાપચ્ચી કરવી સ્હેલી છે?

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

પર્ચી – પરીક્ષામાં વિદ્યાર્થી દ્વારા લઈ જવાતી કાપલી કે ચબરખી

4 Comments

લાગણીના કાન


[Painting by Donald Zolan]

અલવિદા ૨૦૧૮. સૌ વાચકમિત્રોને ઈસુના નવા વર્ષની શુભેચ્છાઓ.

*
લાગણીના કાન કાચા હોય છે,
આંખના અખબાર સાચા હોય છે.

પ્રેમમાં શબ્દો જરૂરી તો નથી,
મૌન પણ ક્યારેક વાચા હોય છે.

જન્મથી મૃત્યુને જોડે જિંદગી,
સીધ રેખામાંય ખાંચા હોય છે.

કાળથી જીતી ગયેલા સ્તંભના,
લોહથી મજબૂત ઢાંચા હોય છે.

જૂજ વ્યક્તિઓને શોભે મુખકમળ,
બાકીના લોકોને ડાચા હોય છે.

સુખ ‘મિસ્ટર ઈન્ડિયા’ જેવું બધે,
દુઃખ ‘ચાતક’ હાવ હાચા હોય છે.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

8 Comments

તો મળ મને


[Painting by Amita Bhakta]

રોમરોમે આગ છે? તો મળ મને,
ભીતરે વૈરાગ છે? તો મળ મને.

કાનમાં કેવળ કથાની કામના,
મન ભુસૂંડી કાગ છે? તો મળ મને.

છે વિચારો શાંત મનની દેરીએ ?
ક્યાંય ભાગમભાગ છે? તો મળ મને.

એકતારો શ્વાસનો ‘તુંહી’ ‘તુંહી’,
બંધ બીજા રાગ છે? તો મળ મને.

તનબદનમાં ગેરુઆની ઝંખના,
કંચુકીનો ત્યાગ છે? તો મળ મને.

શ્રીવિરહના અશ્રુઓ ‘ચાતક’ ગુલાલ,
બારમાસી ફાગ છે? તો મળ મને.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

2 Comments

ઈચ્છાનો માળો


[Painting by Donald Zolan]

*
પ્રેમના નામે હિમાળો નીકળ્યો,
અર્થ આંસુનો હુંફાળો નીકળ્યો.

બારણાં ઊભા ઊભા થાકી ગયાં,
પથ પ્રતીક્ષાનો છિનાળો નીકળ્યો.

સ્પર્શ એનો સાવ ખરબચડો હતો,
આદમી દિલથી સુંવાળો નીકળ્યો.

રુક્ષતાના મૂળમાં રૂઠી ગયા
કૈંક અશ્રુઓનો ફાળો નીકળ્યો.

જિંદગીની જર્જરિત ડાળી ઉપર,
કેટલી ઈચ્છાનો માળો નીકળ્યો.

સંમતિ સમજી લીધી જેને અમે,
માત્ર આંખોનો ઉલાળો નીકળ્યો.

ક્યાં જઈ ‘ચાતક’ ઉદાસી લૂછવી ?
રંગ જ્યાં તડકાનો કાળો નીકળ્યો !

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

3 Comments

ચુંટલી ખણી હશે ?

સૂરજ તપે છે કેટલો ! ગરમી ઘણી હશે,
નક્કી એ નબળી બાઈનો શૂરો ધણી હશે.

સૌંદર્ય જોઈ રાતનું શંકા એ થાય છે,
સંધ્યાએ શું શું ખાઈને એને જણી હશે ?

તડકો ને છાંયડી રહે એક જ મકાનમાં,
ઊંચી દિવાલ એમણે ઘરમાં ચણી હશે ?

સુંદરતા, સાદગી, અને શાલીનતા, જુઓ !
કેવી નિશાળે ચાંદની જઈને ભણી હશે ?

વ્હેલી સવારે ઓસની બૂંદોને જોઈ થ્યું,
ફૂલોની આંખમાં પડી કોઈ કણી હશે ?

ઉડ્યા કરે છે એ મુઆ, ઠરતાં નથી કશે,
કોણે ભ્રમરની પૂંઠ પર ચુંટલી ખણી હશે ?

‘ચાતક’ ખયાલ રાખજો સપનાંનો ઊંઘમાં,
એણે નયનમાં આવવા રાતો ગણી હશે.


– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

4 Comments

મુક્તકો

તમારા પ્રતિભાવ રહ્યાં છે કહી,
મામલો બીચકતાં ગયો છે રહી,
અમારી નજરમાં હતાં કાગળો,
તમે આંખ મારી કરી છે સહી.
*
वो दिन भी क्या दिन हुआ करते थे,
तुम अलाद्दीन, हम जीन हुआ करते थे
कसूर मुहोब्बतका की दरिया हो गये,
वरना हम भी सीयाचीन हुआ करते थे
*
ટેરવાંની ડાળ ઉપર સ્પર્શના ફૂલો ઊગાડી ક્યાં તમે ચાલ્યા ગયા,
આંખની સૂની હવેલી સ્વપ્નથી ભરચક સજાવી ક્યાં તમે ચાલ્યા ગયા,
હોઠ નાગરવેલનાં તાજા ચૂંટેલા પાન જેવાં રસભીનાં ન્હોતા છતાં,
આમ ચુંબનનો અચાનક મ્હેંકતો કાથો લગાવી ક્યાં તમે ચાલ્યા ગયા.
*
अगर मिलना जरूरी है, बिछडना भी जरूरी है
कभी रातों में सूरज का निकलना भी जरूरी है
यहाँ पर्वत भी कटता है नदी की एक ख्वाहिश पर,
किसीके वासते खुद को बदलना भी जरूरी है ।
*
તીર કામઠાની વચ્ચે તલવાર બનીને બેઠો છું,
બેય કિનારા જાણે છે, મઝધાર બનીને બેઠો છું.
સ્મિત ને આંસુના ઝઘડાનો ન્યાય કરું કેવી રીતે,
ગામ લાગણીનું છે ને સરકાર બનીને બેઠો છું.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

4 Comments