*
સુશોભિત વાડ જેવાં વસ્ત્રને વેલાં નથી કરવા,
અમારે આંખના આંસુ વધુ મેલાં નથી કરવા.
સમય આવ્યે જ પાકે છે ફળો કે પ્રેમસંબંધો,
અધીરા સ્વાદ માટે થઈ અને વ્હેલાં નથી કરવા.
ખુશીથી નાચતાં ઝરણાંઓ જોઈ પહાડને લાગ્યું,
નદી દેખાડી દરિયાને વધુ ઘેલાં નથી કરવા.
ભરોસો હોય કે હારી જવાના છો તમે એમાં,
તો એવા યુદ્ધના આરંભ થઈ પ્હેલાં નથી કરવા.
ગુરુ માની ભલે પૂજ્યા અમે સુખો યુવાનીમાં,
હવે ઘડપણમાં કોઈ દુઃખને ચેલાં નથી કરવા.
ગરીબી લાજ રાખે છે પસીના ને ખુમારીની,
પ્રમાણિકતાની સાડીના વધી સેલાં નથી કરવા.
પ્રભુની એજ મરજી હોય તો વાંધો નથી ‘ચાતક’
જીવનના પ્રશ્નપત્રો આપણે સ્હેલાં નથી કરવા.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
*
[Above – Painting by Donald Zolan]