[Painting by Amita Bhakta]
રોમરોમે આગ છે? તો મળ મને,
ભીતરે વૈરાગ છે? તો મળ મને.
કાનમાં કેવળ કથાની કામના,
મન ભુસૂંડી કાગ છે? તો મળ મને.
છે વિચારો શાંત મનની દેરીએ ?
ક્યાંય ભાગમભાગ છે? તો મળ મને.
એકતારો શ્વાસનો ‘તુંહી’ ‘તુંહી’,
બંધ બીજા રાગ છે? તો મળ મને.
તનબદનમાં ગેરુઆની ઝંખના,
કંચુકીનો ત્યાગ છે? તો મળ મને.
શ્રીવિરહના અશ્રુઓ ‘ચાતક’ ગુલાલ,
બારમાસી ફાગ છે? તો મળ મને.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
2 Comments