[Painting by Donald Zolan]
*
પ્રેમના નામે હિમાળો નીકળ્યો,
અર્થ આંસુનો હુંફાળો નીકળ્યો.
બારણાં ઊભા ઊભા થાકી ગયાં,
પથ પ્રતીક્ષાનો છિનાળો નીકળ્યો.
સ્પર્શ એનો સાવ ખરબચડો હતો,
આદમી દિલથી સુંવાળો નીકળ્યો.
રુક્ષતાના મૂળમાં રૂઠી ગયા
કૈંક અશ્રુઓનો ફાળો નીકળ્યો.
જિંદગીની જર્જરિત ડાળી ઉપર,
કેટલી ઈચ્છાનો માળો નીકળ્યો.
સંમતિ સમજી લીધી જેને અમે,
માત્ર આંખોનો ઉલાળો નીકળ્યો.
ક્યાં જઈ ‘ચાતક’ ઉદાસી લૂછવી ?
રંગ જ્યાં તડકાનો કાળો નીકળ્યો !
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
3 Comments