સૌ વાચકમિત્રોને ઈસુના નવ વર્ષની આગોતરી શુભકામનાઓ.
*
હરણ છે હાંફતા શ્વાસો, સમય નિર્દય શિકારી છે,
જીવનના જંગમાં હર આત્મઘાતી પળ બિચારી છે.
ઘણી બાબત ન’તી વિચારવા જેવી, વિચારી છે,
પછી લાગ્યું મને વિચારવું મોટી બિમારી છે.
ખુશીને કેટલુંયે કરગરીને ઘર સુધી લાવ્યો,
મુસીબત માર્ગ પૂછીને સ્વયં આંગણ પધારી છે.
કોઈની ઝુલ્ફ ઢળતાં એમ લાગ્યું સાંજ થઈ ગઈ તો,
કોઈની પાંપણો પર પાથરી મેં પણ પથારી છે.
ફકત બે હાથ જોડ્યાં ત્યાં તરત બોલી ઉઠી મૂરત,
અરે, તેં વાળ ને નખ સાથ ઈચ્છા પણ વધારી છે ?
અવસ્થા ફુલની નાજુક હશે ‘ચાતક’ નહીંતર સૌ
પતંગા પૂછવા આવે ન તબિયત, કેમ? સારી છે?
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’