Press "Enter" to skip to content

Month: November 2017

આમીન આવી જાય છે

વાંસળી સંભળાવનારા હાથમાં દોસ્ત, જ્યારે બીન આવી જાય છે,
જે જગાએ સ્મિત હોવું જોઈએ, ચૂપકીદી ગમગીન આવી જાય છે.

વેદનાની હોય છે લાંબી ઉમર, સુખને થોડા શ્વાસ પણ મળતા નથી,
ને ઉપરથી દર્દને સહેલાવવા, અશ્રુઓ કમસીન આવી જાય છે.

લોક બસ વાતો કરે સંબંધની, લોકને સંવેદનાની શું ખબર,
સાત ભવના વાયદા કરનારની લાગણીમાં ચીન આવી જાય છે.

જિંદગીની યાતનાને ઠારવા આંખમાં પાણી જ જ્યાં પૂરતું નથી,
અશ્રુની જાહોજલાલી જોઈને હોઠ પર આમીન આવી જાય છે.

એ દિલાસા પર હજી ભટકી રહ્યા શ્વાસના ભૂલા પડેલા કાફલા,
શ્યામ આંખોના થયાં પર્દા છતાં સ્વપ્ન તો રંગીન આવી જાય છે.

જિંદગીની કશ્મકશ વિશે કહો શી રીતે, ‘ચાતક’ ખુલાસા આપવા,
હસ્તરેખા લખેલું રણ અને રાશિમાં મુજ મીન આવી જાય છે !

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

7 Comments