[Painting by Amita Bhakta]
*
અશ્રુઓ જળથી વધારે કૈં નથી,
જિંદગી પળથી વધારે કૈં નથી.
ઊંઘને માનો પથારી જો તમે,
સ્વપ્ન એ સળથી વધારે કૈં નથી.
હસ્તરેખા છે અધૂરા દાખલા,
હાથ કાગળથી વધારે કૈં નથી.
હાર જીત એનો પુરાવો છે ફકત,
પાંચ આંગળથી વધારે કૈં નથી.
હોય ખુદ્દારી જો માનવનું શિખર,
યાચના તળથી વધારે કૈં નથી.
મિત્રતા છાંયે નીતરતાં ઝાડવાં,
શત્રુ બાવળથી વધારે કૈં નથી.
દેહ પીંજર છે ને પંખી પ્રાણનું,
શ્વાસ સાંકળથી વધારે કૈં નથી.
મસ્ત ઝરણાં જેવી ‘ચાતક’ની ગઝલ,
‘વાહ’ ખળખળથી વધારે કૈં નથી.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’