Press "Enter" to skip to content

Month: April 2017

બીજું થાય શું ?

આંખની ભીની ગલીમાં સાંજનો સૂર્ય લઈ આવો તો બીજું થાય શું ?
રાતની બારી ઊઘાડી કોઈના સ્વપ્ન તફડાવો તો બીજું થાય શું ?

ઊંઘ નામે એક લાક્ષાગૃહ જ્યાં કૈંક શમણાંઓ સૂતેલા હોય ને,
સ્પર્શની દીવાસળી ચાંપી તમે શ્વાસ સળગાવો તો બીજું થાય શું ?

આંગણું મતલબ હવાના સાથિયા, દ્વાર ને બારી જરા પંચાતીયા,
ભીંતની બંનેય બાજુ ભીંત ને ભીંત ખખડાવો તો બીજું થાય શું ?

દુઃખ ને દર્દો હિમાલયના સમા, સુખ એમાંથી નીકળનારી નદી,
પ્યાસ કેવળ પ્રેમભીનાં હોઠની, જામ છલકાવો તો બીજું થાય શું ?

જિંદગી ‘ચાતક’ સમયનો ખેલ ને આપણું હોવું એ ટૂંકી વારતા,
દેહ પીંજર છે ને પંખી શ્વાસનું, પાંખ ફફડાવો તો બીજું થાય શું ?

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

8 Comments