વસવસા આ જિંદગીના સ્હેજ થોડા હોય છે ?
વેદનાના દોસ્ત, દસ્તાવેજ થોડા હોય છે ?
લાગણી માઝા મૂકે ત્યારે જ નીકળે આંસુઓ,
આંખના ખૂણે હમેશા ભેજ થોડા હોય છે ?
પ્રેમ તો પહેલી નજરમાં પાંગરેલી વારતા,
પ્રેમની પ્રસ્તાવનાના પેજ થોડા હોય છે ?
પ્રેમમાં ખોટા પડે છે દોસ્ત, બધ્ધાયે ગણિત
એક વત્તા એક કાયમ બે જ થોડા હોય છે ?
હર્ષથી કોઈ લગાવે ગાલ પર ચપટી ગુલાલ,
રંગ કરનારા બધા રંગરેજ થોડા હોય છે ?
સોરી કહેવાથીય માફી ના મળે એવું બને,
માફ કરનારા બધા અંગ્રેજ થોડા હોય છે ?
પ્રેમમાં ‘ચાતક’ બીડેલા હોઠ કહી દે છે ઘણું,
હર ખુલાસા સનસનાટીખેજ થોડા હોય છે ?
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’