મ્હેંદીની ભાત જે રીતે ડાઘા ગણાય નહીં,
આંખોના હાવભાવને વાચા ગણાય નહીં.
જેમાં હું મારી મા ને સમજાવી ના શકું,
એને તમે ભલે કહો, ભાષા ગણાય નહીં.
મમ્મીની બ્હેન જે ઘરે માસી બને નહીં,
પપ્પાના ભાઈ એ ઘરે કાકા ગણાય નહીં.
બ્હેનીનો પ્રેમ ને દુઆ એમાં વણાઈ ગ્યા,
સૂતરના તાંતણા પછી ધાગા ગણાય નહીં.
જીવનની વાનગી નથી સ્વાદિષ્ટ એ વિના,
આંસુઓ એટલે જ કૈં ખારા ગણાય નહીં.
‘ચાતક’, વિરહની વારતા જેમાં લખી ન હો,
એવી કિતાબને કદી રાધા ગણાય નહીં.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
12 Comments