Press "Enter" to skip to content

Month: July 2016

રઘવાયા નહીં કરો

વિતરાગી સંતની કદી માયા નહીં કરો,
માણસનો અર્થ ભૂલથી પડછાયા નહીં કરો.

જેને નિહાળતાં સ્વયં દરિયો બળી મરે,
રેતીમાં ભીની એટલી કાયા નહીં કરો.

સૂરજના સ્પર્શ માત્રથી બેઠું થઈ જશે,
ઝાકળ જીવાડવા તમે છાંયા નહીં કરો.

સપનાંના દેશનું તમે કોઈ મકાન છો ?
આંખો મીંચ્યેથી કોઈની બંધાયા નહીં કરો.

કોઈની યાદ આવતાં દોડી જવું પડે,
આંસુને એટલા બધા રઘવાયા નહીં કરો.

દુઃખો તમારી જિંદગીભરની કમાઈ છે,
જાહેરમાં એના વિશે ગાયા નહીં કરો.

‘ચાતક’ તમોને ભૂલવા કોશિશ કરી રહ્યો,
મનમાં જ મંત્ર થઈને બોલાયા નહીં કરો.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

7 Comments

તાશ લગાવી બેઠી છે


આજે મીતિક્ષા.કોમ આઠ વરસ પૂરા કરી નવમા વર્ષમાં પ્રવેશે છે. આજે મીતિક્ષાબેનનો પણ જન્મદિવસ છે. એમને જન્મદિનની અઢળક શુભેચ્છાઓ. અત્યાર સુધી આપ સૌ મિત્રોનો સાથ, સહકાર અમને મળતો રહ્યો છે એ બદલ સહુનો દિલથી આભાર.
* * * * *
રણની વચ્ચે છાંયપરી તાલાશ લગાવી બેઠી છે,
ગર્મ હવાઓ ઝંઝાજળની પ્યાસ લગાવી બેઠી છે.

દૃશ્યોની સંદૂકમાંથી નીકળે છે કેવળ સન્નાટા,
આંખો તોયે પગરવ ઉપર તાશ લગાવી બેઠી છે.

પાંપણના નામે બારીએ સ્વીકારી લીધા પર્દા,
આંખોના નામે આખું આકાશ લગાવી બેઠી છે.

ઈચ્છાકુંવરી કરિયાવરમાં શ્વાસ માંગવા આવી, ને
જીવણબાઈ એક સદીની આશ લગાવી બેઠી છે !

અંધારી રાતોને સૂરજનાં શમણાં બતલાવો નહીં,
સેંથીમાં એ ભવભવનો ઉજાસ લગાવી બેઠી છે.

આજ ખુશાલીનો અવસર છે ‘ચાતક’ એનાં આંગણમાં,
મારી આંખો મહેંદીની ભીનાશ લગાવી બેઠી છે.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

15 Comments