બળતા સૂરજનો હાથ લૈ લોટો નથી પડાતો,
કેવળ હવાની હામથી પરપોટો નથી પડાતો.
બે ક્ષણ ચમકવા માટે ખરવું પડે ક્ષિતિજે,
અમથો જ આભમાં કૈં લીસોટો નથી પડાતો.
જીવન, મને પૂછો તો, કોશિશ છે, માત્ર કોશિશ,
મહેનત છતાંય હાથને ખોટો નથી પડાતો.
છે ઊંઘ એક મથામણ તસવીર ખેંચવાની,
સપનાંનો લાખ યત્ને ફોટો નથી પડાતો.
બાવળની શાખ જેવા મિત્રો મળ્યા પછીથી,
મારાથી આંગણામાં ગલગોટો નથી પડાતો.
‘ચાતક’, આ વેદના તો મારી સહોદરી છે,
ડૂસકાં ભરું, બરાડો મોટો નથી પડાતો.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
3 Comments