લાગણીઓ અંધ જેવી હોય છે,
જિંદગી નિબંધ જેવી હોય છે.
છોકરો બટમોગરાનું ફૂલ ને,
છોકરી સુગંધ જેવી હોય છે.
દોસ્ત, ખુલ્લાં હોય છે જ્યાં બારણાં,
ધારણાઓ બંધ જેવી હોય છે.
સાંજ પડતાં સૂર્ય બુઢ્ઢો આદમી,
વાદળીઓ સ્કંધ જેવી હોય છે.
આંખ જોગી જોગટાની સાધના,
દૃષ્ટિ બ્રહ્મરંધ જેવી હોય છે.
ને ગઝલ વિશે તો ‘ચાતક’ શું કહું ?
આંસુઓની ગંધ જેવી હોય છે.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’