[Painting by Donald Zolan]
*
ઝંખનાના ચોરપગલાં ઝૂલ લગ પહોંચ્યા નથી,
સ્વપ્ન ઘરથી નીકળીને સ્કૂલ લગ પહોંચ્યા નથી.
કંટકોની છે હકૂમત અહીં બધી ડાળી ઉપર,
સારું છે કે હાથ એનાં ફૂલ લગ પહોંચ્યા નથી.
ચાલતાં રાખી હતી એ સાવધાનીના કસમ,
ભૂલથીયે મારાં પગલાં ભૂલ લગ પહોંચ્યા નથી.
પૂર્ણતા વિશે બયાનો એમને શોભે ખરાં ?
ચાપથી જેઓ હજી વર્તુલ લગ પહોંચ્યા નથી.
જાત પંડીતની લઈને પ્રેમને પરખાય ના,
કોઈ જ્ઞાનીના ચરણ ગોકુલ લગ પહોંચ્યા નથી.
એમને નમવાનું કારણ એમની શાલીનતા,
એ હજી ડમરુ ત્યજી ત્રિશૂલ લગ પહોંચ્યા નથી.
દૂરતાની આ નદી ઓળંગશું કેવી રીતે,
આપણા હૈયા પ્રણયના પૂલ લગ પહોંચ્યા નથી.
આંખ ‘ચાતક’ની તલાશે ભીતરી સૌંદર્યને,
હોઠ એના એથી બ્યૂટીફૂલ લગ પહોંચ્યા નથી.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
6 Comments