Press "Enter" to skip to content

Month: December 2015

આંસુ સારવા કેવી રીતે


સૌ મિત્રોને નાતાલ અને ઈશુના નવા વર્ષની આગોતરી શુભેચ્છાઓ.
*
કાગને મોતીના ચારા ચારવા કેવી રીતે,
દાખલા ખોટા પ્રથમથી ધારવા કેવી રીતે.

વાત જો સંવેદનાની હોય તો તો ઠીક છે,
વેદના વિના જ આંસુ સારવા કેવી રીતે.

જેમણે દરિયો તો શું, પાણી કદી જોયું નથી,
એમનો આપો પરિચય ખારવા, કેવી રીતે.

ફૂલને ફોરમ વિશે એ ચિંતા રહેવાની સતત,
શ્વાસની ડેલીમાં પગલાં વારવા કેવી રીતે.

આગિયાઓની સભામાં એ વિશે ચર્ચા હતી,
આપણા તડકા અહીં વિસ્તારવા કેવી રીતે.

લાગણીના ગર્ભમાં સપનાં ઉછેર્યાં છે અમે,
જન્મતાં પહેલાં જ એને મારવા કેવી રીતે.

સ્વર્ગ કે મુક્તિની ‘ચાતક’ એમને ઈચ્છા નથી,
લક્ષ ચોરાસીથી એને તારવા કેવી રીતે.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

4 Comments

બ્હાર નીકળવું અઘરું છે

સંબંધોના સગપણમાંથી બ્હાર નીકળવું અઘરું છે,
દોસ્ત, ત્વચાના પ્હેરણમાંથી બ્હાર નીકળવું અઘરું છે.

જે આંખોની અંદર વસતા હોય સુરાલય, સાકી, જામ,
એ આંખોના કામણમાંથી બ્હાર નીકળવું અઘરું છે.

કેમ ફસાયા છે, એની ચર્ચા કરવાનું માંડી વાળ,
કારણ, એના કારણમાંથી બ્હાર નીકળવું અઘરું છે.

ઈશ્વરમાં શ્રદ્ધાનો મતલબ જે કરશે, સારું કરશે,
મિથ્યા હૈયાધારણમાંથી બ્હાર નીકળવું અઘરું છે.

સ્વપ્નાઓ સાકાર થવામાં મુશ્કેલી તો રહેવાની,
બિડાયેલી પાંપણમાંથી બ્હાર નીકળવું અઘરું છે.

‘ચાતક’ ના પૂછે કોઈને તરસ્યા હોવાના કારણ,
એ જાણે છે કે રણમાંથી બ્હાર નીકળવું અઘરું છે.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

14 Comments