મુઠ્ઠીમાં બાંધેલા સહુ અરમાન નીકળી જાય છે,
શહેરનો રસ્તો લેવામાં ગામ નીકળી જાય છે.
ટ્રાફિક સિગ્નલ પર હાંફેલી કાર નિસાસા નાંખે ત્યાં,
આગળ દોડી જાવાનું ફરમાન નીકળી જાય છે.
ઘરથી ઓફિસ ને ઓફિસથી ઘર સુધી પાછાં ફરતાં,
જીવનનાં સઘળાં એશ-ઓ-આરામ નીકળી જાય છે.
લાગણીઓ વેચો પણ મળતાં ખોબાભર સપનાંઓ ના,
પૈસાથી બાકી ઘરનાં સૌ કામ નીકળી જાય છે.
ઠોકર જેવી ઠોકર પણ વ્હાલી લાગે એ કારણસર,
હોઠોથી ત્યારે ઓ મા, તુજ નામ નીકળી જાય છે.
દોસ્ત બનીને આંસુઓ આવે છે કેવળ મહેફિલમાં,
સુખદુઃખની વાતો કરવામાં શામ નીકળી જાય છે.
આગળ વધવાની પીડા કે પાછળ રહી જાવાનો ગમ,
બેય પરિસ્થિતિમાં ‘ચાતક’ જાન નીકળી જાય છે.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
11 Comments