શું પવનને એ સમજ આવી શકે ?
બારણું પણ ભીંતને વાગી શકે.
તો અને ત્યારે જ એ પડઘો થશે,
શબ્દ એના અર્થને ત્યાગી શકે.
ફૂલને પત્થર ભલે લાગે પવન,
રેતને એ ટાંકણું લાગી શકે.
દોસ્ત, એ પરછાંઈ છે, માણસ નથી,
ભાગી ભાગી કેટલું ભાગી શકે ?
એટલે ધરતી બનાવી તેં ખુદા ?
માનવી થઈ તું અહીં માગી શકે !
સ્પર્શ શ્રદ્ધાવાન ખેડૂત જાતનો,
સ્વપ્ન કોરી આંખમાં વાવી શકે.
ફૂલની જાદુગરી ‘ચાતક’ સુગંધ,
એ પવનનો શ્વાસ થંભાવી શકે.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’