ભ્રમરની ભાગ્યરેખામાં પ્રણયની મુગ્ધ પળ ઊગે,
હવાના શાંત સરવરમાં સુગંધીનાં કમળ ઊગે.
અપેક્ષિત થઈ તમે ખોલો સવારે ઘરની બારી ને,
કોઈ સૂની અગાશીથી વિચારોનાં વમળ ઊગે.
પ્રથમ એમાં પ્રયત્નોને તમારે રોપવા પડશે,
સમય આવ્યે ઘણાં રસ્તા પછી એમાં સફળ ઊગે.
ફકત બેદાગ સુંદરતા નથી નડતી કુમારીને,
સમયની આંખમાં મોઘમ શકુની જેમ છળ ઊગે.
કોઈની યાદ જેવું કૈંક તો વરસ્યું હશે રાતે,
અમસ્તા ક્યાં પથારીના બદન પર કોઈ સળ ઊગે.
ઋણાનુબંધ ધરતીનાં હશે એથી તો ખેડૂતને,
ધરાની વ્યગ્રતા જોઈને બંને હાથ હળ ઊગે.
સૂરજની આંખ લઈ જોજો પરોઢે બાગમાં, ચાતક,
તમે કહેશો કે ઝાકળમાં નહીં, ઝળહળમાં જળ ઊગે.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
10 Comments