Press "Enter" to skip to content

Month: May 2015

ટહુકા દિવાલ પર


[Painting by Donald Zolan]

શંકા કરો નહીં તમે આંખોના હાલ પર,
જોયાં છે આવતાં ઘણાં આંસુને ગાલ પર.

શ્રદ્ધા જરૂરી હોય છે મંઝિલને પામવા,
ચાલી શકે ચરણ નહીં કેવળ ખયાલ પર.

નીપજે છે સાત સૂર જ્યાં, એની પિછાણ છે,
ધડકે છે એટલે હૃદય અદૃશ્ય તાલ પર.

ઈશ્વર ગણી હું કોઈને ત્યારે પૂજી શકું,
ટાંગી બતાવે એ મને ટહુકા દિવાલ પર.

વર્ષો વીત્યાં છતાં હજી ઝાંખી થતી નથી,
કેવી સુગંધ ચીતરી એણે રૂમાલ પર.

‘ચાતક’, કથાનો અંત શું સાચે સુખદ હશે ?
અટકી ગઈ છે વારતા, એવા સવાલ પર.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

9 Comments

સુતીક્ષ્ણ ધાર છે


[Painting by Donald Zolan]

સાંજ પડવાની હજી તો વાર છે,
સૂર્ય, પણ બપ્પોરથી બિમાર છે.

એક ચંદાથી લડાશે કેટલું,
વાદળોનું સૈન્ય પારાવાર છે.

ચાંદનીના પ્રેમમાં પાગલ બની,
કૈંક તારાઓ થયા ખુવાર છે.

બૉલ પાણીનો જો છટકે આભથી,
કેચ કરવા ઝાડવાં તૈયાર છે.

સ્મિત, આંસુ, દર્દ, પીડા, ચાહના,
લાગણીના કેટલા વ્યાપાર છે !

શ્વાસની છે ડોર એના હાથમાં,
દેહ આંટા મારતો ગુબ્બાર છે.

રોજ આવે છે ઘસાવાને સમય,
આંખ ‘ચાતક’ની સુતીક્ષ્ણ ધાર છે.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

4 Comments