જીવે ધરતીની આશા જે રીતે આકાશની વચ્ચે,
જીવનની શક્યતાઓ જીવવાની લાશની વચ્ચે.
કળી થઈ ફૂલ બનવાના અભરખા પોષવા માટે,
તમારે જીવવું પડશે સતત પોટાશની વચ્ચે.
અરે, તારા જ સ્મરણોથી તો હું નવરો નથી પડતો,
અને મળવાનું કહે છે તું મને નવરાશની વચ્ચે !
તું રણ થઈ વિસ્તરે ને હું બનું મોસમ બહારોની,
તો મળવું શી રીતે સંભવ બને અવકાશની વચ્ચે.
તમાચા ગાલ પર મારીને સાબિત સ્મિત કરવાનું,
કહો, લાવું ગુલાબી શી રીતે લાલાશની વચ્ચે.
જુઓ, લીમડાની ડાળીના મરકતા બેય હોઠોને,
જીવે છે લ્હેરથી કેવાં સતત કડવાશની વચ્ચે.
ઝહરના ઘૂંટ પીવાનું મને મંજૂર છે ‘ચાતક’,
નથી ગમતું પડી રહેવું સદા કૈલાશની વચ્ચે.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
8 Comments