Press "Enter" to skip to content

Month: February 2015

બંધ કર

ધારણાને ધારવાનું બંધ કર,
તું વિચારો ચાળવાનું બંધ કર.

આગ ભીતરમાં ભરી, ને અશ્રુઓ
આંખથી નિતારવાનું બંધ કર.

કાઢ ઘૂંઘટમાંથી ચ્હેરો બ્હાર ના,
સ્વપ્નને સળગાવવાનું બંધ કર.

ફૂલની મૈયતમાં જાવું હોય તો,
દોસ્ત, અત્તર છાંટવાનું બંધ કર.

એ નથી જોતો કે મેં પડદા મૂક્યા ?
આભ, તું ડોકાવવાનું બંધ કર.

શક્ય હો તો અર્થનો વિસ્તાર કર,
શબ્દને પડઘાવવાનું બંધ કર.

જિંદગીની ભીંત ઉપર સ્વપ્નનાં
રોજ ખીલા મારવાનું બંધ કર.

યાદ ‘ચાતક’ આગ જેવી હોય છે,
શ્વાસથી પેટાવવાનું બંધ કર,

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

2 Comments

શમણાં જેવું લાગે છે


(Painting by Donald Zolan)

આંખો ખોલી નાખી તોયે શમણાં જેવું લાગે છે,
મનને પૂછ્યું, તો કહે છે કે ઘટના જેવું લાગે છે.

બહુ વિચાર્યું, કોને મળતો આવે છે ચ્હેરો એનો,
ઈશ્વરની બહુ વખણાયેલી રચના જેવું લાગે છે.

પત્થરને પાણી સ્પર્શે ત્યારે થાતાં ગલગલિયાં સમ,
એને જોતાં મનના ખૂણે ઇચ્છા જેવું લાગે છે.

ધોમધખ્યા સહરાના રણમાં હું મધ્યાહ્નની વેળા સમ,
એનું હોવું ખળખળ વ્હેતાં ઝરણાં જેવું લાગે છે.

મારા ઘરની બારીમાંથી એને દીઠા’તાં હસતાં,
વાત હશે વર્ષો જૂની પણ હમણાં જેવું લાગે છે.

એના વિનાના જીવનને, ‘ચાતક’ જીવન શું કહેવું,
ઝાકળજળ ઊડી ગયેલા કોઈ તરણાં જેવું લાગે છે.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

13 Comments