Press "Enter" to skip to content

Month: January 2015

કબીરા


સૌ મિત્રોને ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ.
* * *
દેશ પ્રમાણે વેશ કબીરા,
નહીંતર વાગે ઠેસ કબીરા.

શ્વાસો નહીં, પણ સપનાં હાંફે,
જીવતર એવી રેસ કબીરા.

બાળકની આંખોમાં આંસુ,
ને સ્મિતનો ગણવેશ કબીરા.

આંખોને નજર્યું ના લાગે,
આંજો ટપકું મેશ કબીરા.

સાત સમંદર જેવી યાદો,
પિયૂ છે પરદેશ કબીરા.

ગાંધીએ કાંતીને આપ્યો,
ચરખા ઉપર દેશ કબીરા.

પ્રેમ વિનાનું જીવન, જાણે
શ્વાસોની ઉઠબેસ કબીરા.

અલગારી જીવડો છે ‘ચાતક’,
નામ ધર્યું દક્ષેશ કબીરા,

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

4 Comments

ઓકાત હોવી જોઈએ

કોણ કહે છે સ્વપ્ન માટે રાત હોવી જોઈએ,
દૃશ્ય જોવાની ફકત ઓકાત હોવી જોઈએ.

વાદળોને તેડવાથી આંગણાં પલળે નહીં,
ઝાડ જેવી આપણી મીરાંત હોવી જોઈએ.

આંખ ભીની થાય એ માટેની પૂર્વધારણા,
ભીતરે અંગાર જેવી વાત હોવી જોઈએ.

શક્યતા સઘળી મિલનની એ પછીથી ઉદભવે,
લાગણીની સૌપ્રથમ રજૂઆત હોવી જોઈએ.

જે જગાએ પ્હોંચવું હો જિંદગીમાં આપણે,
એ પ્રમાણે પંથની શરૂઆત હોવી જોઈએ.

મંઝિલો આવીને ચૂમી લે સ્વયં ‘ચાતક’ ચરણ,
ઝંખનામાં એટલી તાકાત હોવી જોઈએ.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

14 Comments