મીતિક્ષા.કોમના સૌ વાચકમિત્રોને નાતાલની અને ઈશુના નવા વર્ષ 2015 માટેની આગોતરી શુભેચ્છાઓ.
ચરણને ચાલવા માટે ધરાનો વ્યાપ નક્કી છે,
સૂરજના ભાગ્યમાં કિરણોની સાથે તાપ નક્કી છે.
તમે ઘડીયાળને કાંડા ઉપર બાંધો કે ના બાંધો,
સમયના ચોરપગલાંની જીવનમાં છાપ નક્કી છે.
કમળની જેમ ભમરાં સ્થિર થાવાનું વિચારે કયાં,
નહીંતર મ્હેંકના ચારે તરફ આલાપ નક્કી છે.
તમે માપી શકો બહુ બહુ તો અહીં આકાર ફુલોના,
ભલા ખુશ્બુની તહેસીલના કદી ક્યાં માપ નક્કી છે.
ગૃહસ્થીના મિનારા એ સ્થળે અકબંધ રહેવાના,
બધી તું-તાં ને અંતે આખરે જ્યાં આપ નક્કી છે.
પ્રણયમાં ખુબસુરતીના ચઢાણો હોય છે મુશ્કિલ,
શિખર જો આંખ, તો ઢોળાવ કેશોક્લાપ નક્કી છે.
કઠિન પુરુષાર્થ ને સાફલ્ય – બંને છે સગા ભાઈ,
ભરો ડગલું તો મંઝિલથી ભરતમેળાપ નક્કી છે.
સમાધિભંગની ઘટના લખો ‘ચાતક’ની કિસ્મતમાં,
પછી દિનરાત જપશે આપના એ જાપ, નક્કી છે.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
8 Comments