સમસ્યા હવે હલ થવાની નથી,
જવાની સમયસર જવાની નથી.
તું પૂછીશ ના એનાં કારણ મને,
અસર છે દુઆની, દવાની નથી.
તરસ પામવા આદરી છે સફર,
ફિકર એટલે ઝાંઝવાની નથી.
એ કાલે હતી ક્યાં કે આજે થશે,
આ ખુશ્બુય વ્હેતી હવાની નથી.
ખરે, પાનખરમાં જ પર્ણો ખરે,
સજા, ડાળને કાપવાની નથી.
ઘડીભર છો લાગે કે હાંફી ગઈ,
આ ઈચ્છા કદી થાકવાની નથી.
અપેક્ષા જીવનથી ન રાખો વધુ,
બધું જિંદગી આપવાની નથી.
નિજાનંદ માટે છે ‘ચાતક’ ગઝલ,
મમત શબ્દને માપવાની નથી.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
12 Comments