દિલાસા આવશે દોડીને મળવા એજ આશામાં,
અમે વ્હેતું કરેલું દર્દને આંખોની ભાષામાં.
તમે આવી ગયા સામેથી એ સારું થયું નહીંતર,
લખી શકવાનો હુંયે ક્યાં હતો કશ્શુંય જાસામાં.
તમે આકાશ મારી આંખનું જોયું નથી પૂરું,
અને વાતો કરો છો ઉપગ્રહો મૂકવાની નાસામાં !
સમય સાથે કદી ચોપાટ માંડો તો એ સમજાશે,
પરાજિત થાય છે શ્વાસો ઉના પ્રત્યેક પાસામાં.
તમે પાણી જ પીધું છે, તરસનો સ્વાદ ક્યાં લીધો,
ખબર ક્યાં છે હજી તમને કે મળતું શું પિપાસામાં.
ઘણી તકલીફથી ‘ચાતક’ જશે આ પળ પ્રતીક્ષાની,
પ્રસૂતિ થાય છે આશા તણી ઘેરી નિરાશામાં.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
10 Comments