Press "Enter" to skip to content

Month: April 2014

આઈડીયા Sirji ને આવે !

પીડા ક્યાં પૂછીને આવે,
ઘર એનું સમજીને આવે.

શાલીનતા તો જુઓ સ્મિતની,
પાંપણ પણ લૂછીને આવે !

આમ વ્યથાનાં વાદળ ધીરાં,
આંસુ પણ ગરજીને આવે.

તાળાં મારી દો સૂરજને,
અંધારા કૂંચીને આવે.

પતંગિયાને બેઠું જોતાં,
પાંખ નવી પીંછીને આવે.

માપ લીધું એણે સપનાંનું,
ઊંઘ પછી દરજીને આવે ?

‘ચાતક’ અહીંયા માથું ફોડે,
આઈડીયા Sirji ને આવે !

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

6 Comments

શેર માટીની ખોટ નથી

ભારત દેશ ગરીબ ભલે, પણ ભારતવાસી ભોટ નથી,
લુચ્ચા નેતાઓને માટે હવે એમના વોટ નથી.

વિકાસ માટે નાણાં વાપરવામાં છે ખોટું ના કૈં,
ધર્મ અને ઈમાનથી મોટી ખર્ચાયેલી નોટ નથી.

લોકના પૈસે મિજલસ કરનારા શયતાનો સમજી લો,
કરોડ ભૂખ્યાં લોકોને ઘર, ખાવા માટે લોટ, નથી.

રાજકારણી, રમતવીર કે ફિલ્લમબાજો જાય ચૂલે,
દેશદાઝથી હૈયું જેનું ઉકળે ના, એ હોટ નથી.

ભારતમાની ચિંતાનું કારણ સીધું ને સાદું છે,
અમીચંદના ઘેર હજીયે શેર માટીની ખોટ નથી.

ધીરજના ફળ મીઠાં જાણી રાહ જોઈ છાસઠ વરસો,
આશા ખૂટે ‘ચાતક’, એથી ભૂંડી કોઈ ચોટ નથી.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

13 Comments