[Painting by Donald Zolan]
તણખા ઉપર રાખ વળી છે, રાખ વળેલી રહેવા દો,
આંખોથી સમજાવો સાજન, આજ હથેળી રહેવા દો.
સૂરજના તડકાથી સળગે આંખોમાં સપનાનાં વન,
કુંપળ જેવી કોમળ મારી સાંજ સજેલી રહેવા દો.
કીડિયારાની માફક શમણાં ઉમટે છે ત્યાં સ્થિર થવા,
શહેર તમે વિસ્તારો ચોગમ, ગામ-હવેલી રહેવા દો.
સમજણની દુનિયાથી બેશક બચપણને રળિયાત કરો,
બાળકની આંખોમાં કિન્તુ એક પહેલી રહેવા દો.
ઈચ્છાઓની વેલ વધીને ઘર-આંગણ પથરાઈ જશે,
થોડી જગ્યા મનના ખૂણે બંજર જેવી રહેવા દો.
મોત, પ્રતીક્ષા તારી કરતાં ‘ચાતક’ની આંખો થાકી,
આજ મિલનનો અવસર છે, તો આંખ મળેલી રહેવા દો.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
5 Comments