કલમ વેચાય છે ત્યારે કવિતા સાથ છોડે છે,
ધરી સંવેદનાનું રૂપ આંસુ આંખ છોડે છે.
હવાના કોઈ ખૂણામાં હશે નક્કી સુગંધીઓ,
જરા રોકાઈને એથી જ માણસ શ્વાસ છોડે છે.
તમારું ગામ છોડીને તમે છોને શહેર આવો,
તમોને કોઈ દિવસ ક્યાં તમારું ગામ છોડે છે.
બધાએ મોત પાસે આખરે ચાલી જવાનું પણ,
સરળતાથી જીવન ક્યાં કોઈનોયે હાથ છોડે છે.
તમન્ના હોય મંઝિલ ચૂમવાની, ચાલવા માંડો,
સમંદર પામવા માટે સરિતા ઘાટ છોડે છે.
ભૂલાઈ જાય છે ‘ચાતક’ દિવંગત આદમી પળમાં,
વતન માટે મરી મિટનાર, પણ ઇતિહાસ છોડે છે.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
13 Comments