Press "Enter" to skip to content

Month: October 2013

રાણી મળે નહીં

પાણી જપો પણ પાણી મળે નહીં,
તરસના દેશમાં વાણી મળે નહીં.

તકદીરના કિસ્સા ઘડા જેવા હોય,
ભાગ્યરેખાઓ કાણી મળે નહીં.

આંસુને પૂછો તો તરત બોલશે,
લાગણી હંમેશા શાણી મળે નહીં.

પ્રેમના ઘરે કાયમની મોંકાણ,
ગોળ મળે પણ ધાણી મળે નહીં.

‘ચાતક’ના હાથમાં બાવન પત્તાં,
રાજા ખરાં પણ રાણી મળે નહીં.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

8 Comments

થોભાવીને આવ્યો છું

સંવાદોને અધવચ્ચે પડતા મૂકીને આવ્યો છું,
ખામોશીના વણખેડ્યા ખેતર ખેડીને આવ્યો છું.

સંવેદનભીનાં હોઠો પર આવીને અટકી ગયેલા,
શબ્દોને એની મંઝિલ પર પહોંચાડીને આવ્યો છું.

સમજાવ્યે પણ ના સમજે એવા લોકોની ભીતરમાં,
નાનો, પણ સમજણનો દીવો પેટાવીને આવ્યો છું.

કોકરવરણી લાગણીઓને હૈયામાં દફનાવી દઈ,
શ્વાસોની ચાદર પર અત્તર ઓઢાડીને આવ્યો છું.

દાન, ધરમ, પૂજન, અર્ચન-એ સઘળાંથી સંતૃપ્ત હવે,
પયગંબરની ઝોળીઓને છલકાવીને આવ્યો છું.

‘ચાતક’ થઈને રાહ જુએ છે દોસ્ત, હવે એ પણ મારી,
બિચ્ચારા મૃત્યુને પાદર થોભાવીને આવ્યો છું.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

8 Comments