Press "Enter" to skip to content

Month: September 2013

સ્વપ્નનું વસ્ત્રાહરણ

પામવા કોશિશ કરે છે સૌ ખુશાલીનાં હરણ,
કોઈને કેડી મળે છે, કોઈને એનાં ચરણ.

ઝાંઝવા એ વાત ઉપર એટલે નારાજ છે,
કેમ હૈયાની તળેટીમાં જ વિકસી જાય રણ.

આંખ એવું વૃક્ષ જેના મૂળિયાં ભીનાં રહે,
તરબતર અશ્રુથકી સંવેદનાના આવરણ.

યાદ જેવી યાદ જ્યારે વિસ્મરણ રૂપે મળે,
પ્રેમનાં ફૂટી શકે કેવી રીતે નિર્મળ ઝરણ.

જિંદગી જેણે દીધી, એનેય મળવાની સજા,
એક દિવસ ભાગ્યમાં એનાય ચિતરેલું મરણ.

આખરે ‘ચાતક’ નયનને મીંચવા પડશે અહીં,
ક્યાં લગી જોતાં રહીશું સ્વપ્નનું વસ્ત્રાહરણ.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

9 Comments

બારીઓ સહુ બંધ છે


[Painting by Donald Zolan]

બારણાંઓ સાવ ખુલ્લાં, બારીઓ સહુ બંધ છે.
દોસ્ત, આ દિવાલ જેવો આપણો સંબંધ છે.

પાસપાસે તોય કો’દિ એક થાવાનું નહીં,
શું હથેળીમાં ચણાયેલા ઋણાનુબંધ છે !

તારા હૈયાનું દરદ કહી નાખ મુજને બેધડક,
મારી પાસે આંસુઓનો પૂરતો પરબંધ છે.

બારસાખો પર જડેલી આંખના સોગન તને,
આવ કે ભીતર હજી તારી છબી અકબંધ છે.

શ્વાસને સ્યાહી બનાવી ઘૂંટતો ‘ચાતક’ સમય,
જિંદગી તારી પ્રતીક્ષાનો મહાનિબંધ છે.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

12 Comments

નહીં દીધેલા કાગળથી


[Painting by Donald Zolan]

કેમ ભલા સૂરજનો રસ્તો રોકી બેઠાં વાદળથી,
અંધારું ઘરઘરમાં થાતું અમથે અમથું કાજળથી.

આંખોમાં આંખો નાંખીને વાંચો તો સમજાશે એ,
કેવાં કેવાં અક્ષર ફુટે નહીં દીધેલા કાગળથી.

સંબંધોની વાત હોય તો હોય હથેળીમાં રેખા,
ફૂટેલી કિસ્મતનાં પાનાં ના બદલાયે પાછળથી.

ભાવિનું અટકળ કરવાની કોશિશો શું કામ કરો,
જીવનની ઘટનાને વાંચી કોણ શક્યું છે આગળથી.

તડકાઓ લીંપી લીંપીને સપનાઓનાં ઘર માંડો,
કોઈ પરોઢે ઝળહળ થાશે એ પણ ભીના ઝાકળથી.

આશાનું તો કામ જ છે કે માણસને પગભર કરવો,
‘ચાતક’ને એ શીખ મળી છે નહીં વરસેલા વાદળથી.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

9 Comments