Press "Enter" to skip to content

Month: July 2013

ખ્વાબ બનવા જોઈએ

માપ આપો એ પ્રમાણે ખ્વાબ બનવા જોઈએ.
આંખને પૂછી દિવસ ને રાત બનવા જોઈએ.

પ્રેમ મૌસમ, વાર કે મહીના કશું જોતો નથી,
પ્રેમ કરવાના છતાંયે વાર બનવા જોઈએ.

સ્પર્શની બારાખડી ના ઉકલે એની બધી,
આંગળીના ટેરવાઓ ચાંપ બનવા જોઈએ,

બાળપણ છીનવી લીધું એ દુષ્ટ લોકોના ઘરે,
ભીંત પરના સૌ લીસોટા સાપ બનવા જોઈએ.

જિંદગી સિક્કો બની જેની ઉછળતી રહે સતત,
એમની કિસ્મતના કાંટા છાપ બનવા જોઈએ.

આંખમાં આંસુ ન આવે એ મરદનો બેટડો ?
એની આંખોમાં જ દરિયા સાત બનવા જોઈએ.

ભ્રુણહત્યા થઈ ગયેલી દીકરીનો શ્રાપ છે,
વાંઝણી માના જ દીકરા બાપ બનવા જોઈએ.

દોસ્ત, બહેરાની સભાને હુંય સંબોધી શકું,
આઠમાંથી સાત શ્રોતા આપ બનવા જોઈએ.

રોજ છાપું વાંચવા ‘ચાતક’ જરૂરી તો નથી,
સનસનાટીખેજ કિસ્સા ક્યાંક બનવા જોઈએ.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

16 Comments

સંબંધની સરહદ નથી

લાગણીઓ સાવ બેમતલબ નથી,
આપ જેવી અન્યની સૂરત નથી.

વિસ્તરે એથી ક્ષિતિજો પ્રેમની,
આપણા સંબંધની સરહદ નથી.

આપણા સંવાદની ભાષા નયન,
શબ્દની જ્યાં કોઈપણ કિમત નથી.

પળમહીં વીતી જશે આખું જીવન,
શ્વાસ જેવી અન્ય કો’ કરવત નથી.

મોતથી નફરત કરું કેવી રીતે,
જિંદગી એવીય ખુબસુરત નથી.

રોજ વરસો આપ ‘ચાતક’ની ઉપર
એટલી દિલદાર તો કુદરત નથી.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

15 Comments

રસ્તાઓ સાદ દે

મંઝિલની આશમાં સતત પગલાંઓ સાથ દે,
એવું નથી કે ધારણા કાયમ વિષાદ દે.

ભૂલા પડી શકાય ક્યાં એની તલાશમાં ?
દિવાનગીના શહેરમાં રસ્તાઓ સાદ દે.

ઈશ્વર, નમીને માંગવું કોને હશે પસંદ,
તું જો ઉદાર હોય તો લંબાતો હાથ દે.

તારી કને હજારમાં દર્દો પડ્યાં હશે,
આપે તો જોઈ જોઈને બે-ચાર, ખાસ, દે.

તારી સમજ વિશે મને એથી તો માન છે,
આનંદની પળો બધી પીડાની સાથ દે.

મારી વ્યથા વિશે તને ફરિયાદ નહીં કરું,
આંસુના ઢાંકણા ફકત આંખોની પાસ દે.

‘ચાતક’ તરસને પામવા કરવી પડે સફર,
ઘરબેઠા ઝાંઝવાય ક્યાં પોતાની પ્યાસ દે?

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

10 Comments

પાડોશમાં રહેતું નથી


[On board Sapphire Princess, Alaska(2009)]

પ્રિય મિત્રો, આજે મીતિક્ષાબેન અને મીતિક્ષા.કોમ બંનેનો જન્મદિવસ છે. આપના પ્રેમ અને લાગણી થકી આ વેબસાઈટ આજે પાંચ વરસ પૂરા કરી છઠ્ઠા વર્ષમાં પ્રવેશે છે. વેબસાઈટ શરૂ કરી ત્યારે ખબર પણ ન હતી કે એ આવી અને આટલી મજલ કાપશે અને આવો સુંદર પ્રતિસાદ મેળવશે. આપના ઉમળકા અને સ્નેહ માટે શબ્દો ઓછા પડે છે. આશા છે, આપનો સહકાર હંમેશા મળતો રહે.
*
કોઈ સપનાંઓને જઈને કેમ એ કહેતું નથી,
વાસ્તવિકતાથી વધારે અહીં કશું હોતું નથી.

આંખમાંથી નીકળી એ ચાલશે અધરો તરફ,
સુખ હો કે દુઃખ, આંસુ ખાસિયત ખોતું નથી.

ઝીની ને બીની ચદરિયા લોક ઓઢે છે કબીર,
વસ્ત્ર માની ડાઘ એના કોઈ તો ધોતું નથી.

ડાળથી છૂટાં પડેલાં પાંદડાને પૂછજો,
વૃક્ષ જેવું વૃક્ષ એને વ્હાલથી જોતું નથી.

લાગણી દુભાય ત્યારે થાય હૈયામાં જલન,
આગ છે એ દોસ્ત, પાણી આંખથી વહેતું નથી.

કોઈને આપી શકો તો આપજો થોડી ખુશી,
અન્યથા મૃત્યુ પછી પળવાર કો’ રોતું નથી.

કરગરો કે બૂમ પાડો, એ નહીં આવે તરત,
મોત ‘ચાતક’ કોઈની પાડોશમાં રહેતું નથી.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

17 Comments