Press "Enter" to skip to content

Month: June 2013

લધુકાવ્યો : આંસુ


[Painting by Donald Zolan]

મિત્રો, લઘુકાવ્યનો આ મારો પ્રથમ પ્રયાસ છે, એથી આપના પ્રતિભાવો જાણવા ગમશે.

આંસુ કોઈ ગ્રોસરી સ્ટોરમાં વેચાતી ચિજની જેમ
હાજર સ્ટોકમાં પડ્યા રહેતા હશે
કે પીત્ઝાની જેમ ઓર્ડર આપ્યેથી
ગરમાગરમ બનતા હશે ?
*
આંસુ ખારા હોય છે, એ વાતમાં કેટલું તથ્ય છે,
એ જાણવા પ્રયત્ન કર્યો છે ?
કરી જોજો.
પણ હા, એનો સ્વાદ જીભથી નહીં પરખાય,
એને માટે હૃદય જોઈશે.
*
કોઈના આંસુ સામે આપણે શું ફરિયાદ હોઈ શકે ?
હા, એટલું જરૂર કહીશું કે
વરસાદ પણ ઋતુમાં જ સારો લાગે.
એથી વરસવું જ હોય તો એટલો ખ્યાલ કરજો કે
આંખની પણ એક મોસમ હોય છે.
*
પાણી આંસુ કેવી રીતે બને,
એ જાણવા ઘણી કોશીશ કરી
પણ નિષ્ફળતા મળી.
સાલ્લું … સંવેદના માપી શકે
તેવું કોઈ સાધન જડ્યું જ નહીં.
*
હૈયામાં ધરબાયેલ દર્દ
આંસુ થઈને બહાર આવ્યું
ત્યારે ખબર પડી કે
દર્દનું સરનામું ભલે હૃદય હોય,
પણ રસ્તો તો આંખમાંથી જ પસાર થાય છે.
*
હર્ષ અને શોક – બંને કિસ્સામાં જે આંસુ નીકળે,
એમાં કોઈ ફરક હશે ખરો ?
કદાચ હરખનાં આંસુનું તાપમાન ઓછું હશે.
કારણ એનો જન્મ હૈયાવરાળથી નથી થતો…
*
આંસુને આંખમાંથી બહાર આવતાં જોયું છે,
પણ અંદર જતાં જોયું નથી.
આ સંવેદનાનો ધોરીમાર્ગ વન-વે હશે,
બિચ્ચારું આંસુ..
ચાહે તોય પોતાને ઘર પાછું જઈ ના શકે…
*
આંસુ મોતી કેવી રીતે બનતું હશે ?
કદાચ જોનારની પાંપણ છીપની ગરજ સારતી હશે.
આપણી આંખો કોઈની સંવેદનાને
મોતી કરે તેવી પાણીદાર થશે ખરી ?
*
આંસુ પાણી છે, એવું કોઈએ કહ્યું ત્યારે મને લાગી આવ્યું.
કોઈના હૈયાની આગ, વરાળ બની,
આંખોના આકાશમાં ગાજવીજ સાથે તૂટી પડે
તો એને આગ કહેવું કે પાણી ?

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

22 Comments

રણને તરી શકાય

સાહસ નદીનું હોય તો રણને તરી શકાય,
બે-ચાર ઘૂંટ રેતના જળથી ભરી શકાય.

સૂરજ થવાનું એટલું સહેલું નથી અહીં,
જાતે બળો પછી જહાઁ રોશન કરી શકાય.

ઈચ્છાની પાનખર ઘરે લાવી શકાય ના,
તૃષ્ણાથી પાંદડાં થઈ જેમાં ખરી શકાય.

જીવન છૂટેલ તીરની માફક અનાથ છે,
એનાંય હાથમાં નથી, પાછાં ફરી શકાય.

પાંપણના ખુલવા લગી જીવવાનો શ્રાપ છે,
સપનાંથી આપઘાતમાં થોડું મરી શકાય ?

‘ચાતક’, મરણની ઝંખના કરવાથી શું વળે,
શ્વાસોનો હાર આપ તો એને વરી શકાય.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

11 Comments