Press "Enter" to skip to content

Month: April 2013

સરનામું શ્વાસમાં

પડછાયો નીકળી પડે જ્યારે તલાશમાં,
શોધી શકાય કોઈનું સરનામું શ્વાસમાં.

આ લાગણી છે દોસ્ત, ને એને ખબર બધી,
વ્હેવાનું ક્યારે, ક્યાં લગી, ચીતરેલ ચાસમાં.

સંધિની શક્યતા લઈ મળતાં રહે નયન,
જોડી શકાય ના છતાં પાંપણ સમાસમાં.

સૂરજના ઊગવા વિશે અટકળ કરી શકે,
સપનાંને એ ખબર નથી, છે કોની આંખમાં.

શબ્દોનાં બારણાં તમે ભીડીને રાખજો,
સંભવ છે, મૌન નીકળે ભીતર પ્રવાસમાં.

મૃગજળની વારતા હજુ લંબાતી જાય છે,
નક્કી કશુંક તો હશે ‘ચાતક’ની પ્યાસમાં.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

6 Comments

હું ગઝલ ગાઈ શકું


[Painting by Donald Zolan]

આપજે એવું દરદ કે જે ન ભુલાવી શકું,
આંખમાં આંસુ ભલે પણ હું ગઝલ ગાઈ શકું.

હું કોઈ વાદળ નથી કે ઘેરવાનો સૂર્યને,
હું તો પડછાયો ફકત આંગણમહીં વાવી શકું.

શહેરની આબોહવા માફક તો આવી ગઈ મને,
વાયરો થઈને હજી હું સીમમાં વાઈ શકું.

હું ભલે મોટો થયો, પણ એટલો મોટો નહીં,
મા, હું તારી ગોદને આજેય શોભાવી શકું.

તારે જો કરવી કૃપા હો તો પ્રભુ, વરદાન આપ,
રોટલા મારા જ પરસેવાના હું ખાઈ શકું.

પ્રેમની એવી અવસ્થા પર મને આસીન કર,
તું મને ચાહે ન ચાહે, હું તને ચાહી શકું.

એક-બે ઈચ્છા કુંવારી છે હજુ, મારા પ્રભુ,
આપજે થોડો સમય કે એને પરણાવી શકું.

જે ક્ષણે ‘ચાતક’ દરશની ઝંખના ખૂટી પડે,
એટલી કરજે કૃપા કે શ્વાસ થંભાવી શકું.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

16 Comments