કોઈ ઘટના નથી એ વાતને બીના બનાવી છે,
અમે નિજ શ્વાસની સિતારને વીણા બનાવી છે.
ધનીના એક આંસુથી જ સર્જાશે મહાભારત,
દુઃખીના સ્મિતને એથી અમે ગીતા બનાવી છે.
હરણ કરવાની કોશિશમાં સતત ભટક્યા કરે છે મન,
પ્રભુજી, શું વિચારીને તમે સીતા બનાવી છે ?
પ્રતીક્ષાને પૂરી કરવા પધારો આંગણે જલદી,
અહલ્યા એજ કારણથી અમે શિલા બનાવી છે.
સમય લાક્ષાગૃહોની જેમ સઘળું ફુંકશે પળમાં,
અમે શાશ્વત જીવનને પામવા ચિતા બનાવી છે.
અધૂરા લક્ષ્ય ‘ચાતક’ જિંદગીને અર્થ આપે છે,
શબદ ઓળંગવા માટે અમે સીમા બનાવી છે.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
12 Comments