[Enchantress: A Painting by Amita Bhakta]
બે-ચાર વારતા હશે, જે મેં કહી નથી,
કારણ તો એટલું જ કે એમાં પરી નથી.
સપનાના ગામમાં ચણી રાખેલ છે મકાન,
પાંપણને બીડવા હજી સાંકળ જડી નથી.
આંખોએ રોઈ-રોઈને સીંચી દીધાં ઝરણ,
દરિયાને પૂછવા જતી કોઈ નદી નથી.
‘ચાતક’, પ્રણયની ખાતરી કેવી રીતે થશે ?
અફવાઓ ગામમાં હજુ કોઈ ઉડી નથી.
ડૂબી ગયેલ શક્યતા પૂછી રહી મને,
રેખાઓ હાથની હજુ સરખી કરી નથી ?
એથી વિશેષ હોય શું ‘ચાતક’ અહીં સજા,
મારા જ ભાગ્યમાં કશે મારી સહી નથી.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
15 Comments