સહુ વાચકમિત્રોને Merry Christmas !!
======================
જિંદગી નામે અજાયબ એક તખ્તો હોય છે,
આદમી જેની ઉપર દૃશ્યો ભજવતો હોય છે.
ક્યાં મળે મરજી મુજબ સૌને અભિનયની તકો ?
કોઈ છે, જે આપણી કિસ્મતને લખતો હોય છે.
એ ભલા ક્યાંથી તને ઉગારવાનો દુઃખમહીં,
ચંદ સિક્કાઓ વડે જે ખુદ પટતો હોય છે.
રાત-દિ જેને કપટ સાથે ઘરોબો, દોસ્તી,
એ ખુદાનું નામ હરહંમેશ રટતો હોય છે.
તું ભલે એને પકડવા દોટ મૂકે, ના મૂકે,
આ સમયનો હાથ લીસ્સો ને સરકતો હોય છે.
સૂર્યમુખી જોઈને વિસ્મિત થવાનું બે ઘડી,
સૂર્ય છોને આંગણે સહુનાય તપતો હોય છે.
હર મલમ માટે ખુદાની પાસ છે જખ્મો ભર્યા,
નાસમજ ‘ચાતક’ છતાંયે ઘાવ ભરતો હોય છે.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
15 Comments