Press "Enter" to skip to content

Month: November 2012

શોધી બતાવ તું

મારી જ ધારણા, કરી ખોટી, બતાવ તું,
તૂટેલ તાંતણા ફરી જોડી બતાવ તું.

સપનાના દ્વારને હજુ સાંકળ જડી નથી,
આંખોના આસમાનમાં ઊડી બતાવ તું.

એકાદ આરઝૂ ભલે ઘાતક બની શકે,
એકાદ વારતા મને જીવી બતાવ તું.

તારા મિલનની આશમાં ખુદને ભૂલી ગયો,
હું કોણ છું, હવે મને પરખી બતાવ તું.

મારી તરસને ઠારવા તું શું કરી શકે ?
બે-ચાર ઝાંઝવા મને શોધી બતાવ તું.

‘ચાતક’ દરશની ઝંખના જેમાં ભરી પડી,
આંખોમાં એ તળાવને ખોદી બતાવ તું.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

9 Comments