Press "Enter" to skip to content

Month: October 2012

પ્રાર્થના ગઝલ


[Painting by Donald Zolan]
*
નથી ધારતા શાને? ધારો, પ્રભુ,
સુદર્શનનો મહિમા વધારો પ્રભુ.

ધરમ સ્થાપવાની જરૂરત નથી,
દંભી, દુરાચારી મારો, પ્રભુ.

અમારા જ ખાતામાં શાને લખો ?
વ્યથા અન્ય નામે ઉધારો પ્રભુ.

દુઃખોને ઉચકવામાં નાનમ નથી,
જરા સુખની બોણી વધારો પ્રભુ.

અમારા કરણ પણ જમુનાનો તટ,
બંસી બજાવી સુધારો પ્રભુ.

તમારા છે, એથી વધુ શું કહું,
હવે અમને મારો કે તારો, પ્રભુ.

‘ચાતક’ છીએ, એથી થઈ શું ગયું ?
કદી તો સમયસર પધારો પ્રભુ.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

9 Comments

છુપાવવી પણ જોઈએ


[Painting by Donald Zolan]

કેટલીક સંવેદના છુપાવવી પણ જોઈએ,
વ્યક્ત કરવાની સુવિધા ટાળવી પણ જોઈએ.

વેદનાની વાત આંસુઓથી કરવી ઠીક નહીં,
સ્મિત કરવાની કળા અપનાવવી પણ જોઈએ.

લાગણી તો સાવ નાના બાળ જેવી હોય છે,
ભીડથી એને જરા સંભાળવી પણ જોઈએ.

ને હૃદયના કોઈ ખૂણામાં પડી રે’ ક્યાં લગી,
લાગ મળતાં યાદને મમળાવવી પણ જોઈએ.

રોજના મળવા થકી ઠુઠવાઈ જાશે ઝંખના,
આગ વિરહની કદી પેટાવવી પણ જોઈએ.

રાહ જોવામાં નથી તકલીફ ‘ચાતક’ને જરા,
શર્ત, કે મોડી ભલે, એ આવવી પણ જોઈએ.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

7 Comments