Press "Enter" to skip to content

Month: July 2012

અભાગી પંખી

માળો છોડી ચાલ્યા પંખી,
મૂકી સઘળાં સાથી સંગી.

ખાલીપાના ખખડ્યા દ્વારો,
એકલતા ક્ષણક્ષણને ડંખી.

ઈચ્છાઓના ગામ વચાળે,
શમણાંઓ વાચાળ, તરંગી.

કૈંક પુરાણી યાદો જડતાં,
આંખોએ તોડી સૌ બંધી.

વિદેશમાં વર્ષો વીત્યાં પણ
સ્વપ્નાંઓ ના થ્યાં ફીરંગી.

ખુશ્બુ સાથે પ્રીત કરીને,
મેંય પવનની બાંધી કંઠી.

ડૂબતો જે રીતે તરણાંને,
તુજને શ્વાસો શ્વાસે ઝંખી.

પાણી નહીં, પળને પીનારું,
‘ચાતક’ નામ અભાગી પંખી.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

11 Comments

અમે પણ જોયા છે

પાનખરે નહીં ખરનારા કૈં પાન અમે પણ જોયા છે,
જોગીઓના અડબંગા કૈં ધ્યાન અમે પણ જોયા છે.

મહેફિલોમાં વાહ-વાહની વચ્ચે બોલાતા નામો, ને
ગુપ્તરૂપે થાનારાં કૈંયે દાન અમે પણ જોયા છે.

સંતાનો માબાપોને હડધૂત કરે એવું જ નથી,
દેવ ગણીને પૂજનારા સંતાન અમે પણ જોયા છે.

આજ કંઠમાં ડૂમો આવે ને તરડાયા સ્વર જેના,
મહેફિલને ડોલાવે એવા ગાન અમે પણ જોયા છે.

કાળાં કામો, કાળું ધન ને વેરઝેરથી મેલાં મન, પણ
મહેફિલમાં ઉજળા થૈ ફરતા વાન અમે પણ જોયા છે.

વાહ-વાહ કરવાની જેની આદત છે, એ છો કરતા,
આંખ ઝૂકાવીને દીધા સન્માન અમે પણ જોયા છે.

સુક્કાં ભઠ બાવળિયાં જેવાં આજ થયાં, એનું કારણ,
કુંપળ થઈને ફુટવાના અરમાન અમે પણ જોયા છે.

‘ચાતક’ હાશ મળે કોઈની એમ ભલે તું કરતો રહે,
નિષ્ફળ સાવ થયેલા કૈં વરદાન અમે પણ જોયા છે.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

8 Comments

શબ્દોને આભારી છે

સંવેદનના છાપાંઓની એજ ફકત લાચારી છે,
આંખોના સૂમસામ ભવનમાં ઘટનાઓની બારી છે.

આંસુ સીંચી લીલાં રાખ્યાં રણ અંતરના એણે પણ,
ક્યાંક ફુલોને જોઈ એણે ઈચ્છાઓને મારી છે.

પ્રશ્ન ઉઠે લોકોના મનમાં રંજ નથી એનો સ્હેજે,
પીડે છે કે આભ ચીંધતી એક આંગળી તારી છે.

શબ્દ વ્યથાના વાવેતર કરવાનું સાધન માત્ર નથી,
મૌન ઘૂંટીને જીરવવાની કૈંક વ્યથાઓ ભારી છે.

એકમેકથી છૂટાં થ્યાં, પણ એજ સમસ્યા જીવનની,
એનીય દશા કૈં ઠીક નથી, મારીય દશા ક્યાં સારી છે.

કેટકેટલા આઘાતોની લાશ પડી છે આંખોમાં,
લાગે છે કે લાગણીઓ પણ સાવ બની સરકારી છે.

‘ચાતક’ તું ગુમનામ બનીને કોઈ ખૂણામાં જીવતો હોત,
તારી જે કૈં ઓળખ છે એ શબ્દોને આભારી છે.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

7 Comments

તોય આંખો બંધ છે

અધખુલેલાં બારણાં છે, આવવાની ધારણા છે, તોય આંખો બંધ છે!
આગમનને મન ભરીને માણવાની ચાહના છે, તોય આંખો બંધ છે!

દૃશ્યની બારી ઉઘડતાં કેટલી ઘટનાતણા સાક્ષી થવાનો લ્હાવ છે, ને*
ખુલવા તત્પર ઊભા બે પાંપણોના બારણાં છે, તોય આંખો બંધ છે!

રૂપનું દર્પણ સનમની આંખ છે ને આંખમાં છલકાય છે બેહદ નશો,
રૂપને નિહાળવા બેતાબ સઘળા આયના છે, તોય આંખો બંધ છે!

દ્રૌપદીનાં વસ્ત્ર પેઠે ચોતરફ ઈચ્છાતણા કૈં આવરણ ઉતરી રહ્યાં,
ચિત્તમાં દુઃશાસનોની જેમ રમતી કામના છે તોય આંખો બંધ છે!

શબ્દના તીખા પ્રહારો કર્ણને વીંધે નહીં, એથી નયન મીંચાય ના,
ના કહીં ગાલીગલોચ, બસ ચોતરફ સદભાવના છે તોય આંખો બંધ છે!

આંખ ‘ચાતક’ થૈ સતત ઝંખી રહી જેને, સ્વયં આવી ઊભા છે આંગણે,
ધન્ય એ દર્શન થકી પૂરી થનારી સાધના છે, તોય આંખો બંધ છે!

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

* શેર પાછળથી બદલ્યો

8 Comments

તું રોકાઈ જા


પ્રિય મિત્રો, મીતિક્ષા.કોમ આજે ચાર વરસની સાહિત્યયાત્રા પૂરી કરી પાંચમા વર્ષમાં પ્રવેશ કરે છે. આપના સાથ-સહકાર વગર આ સંભવ થઈ શક્યું ન હોત. આ પ્રસંગે પ્રતિભાવ આપી પ્રોત્સાહિત કરનાર સર્વ વાચકમિત્રોનો હૃદયપૂર્વક આભાર.
*
આંખમાં સપનાં ઘણાં છે, રાત તું રોકાઈ જા,
લાખ કહેવાની તને છે વાત, તું રોકાઈ જા.

કેટલા પડદા રહસ્યોના હજી ખુલ્યા નથી,
છે સમયની માંગ, ઝંઝાવાત, તું રોકાઈ જા.

આભથી વરસી રહી છે ચાંદની બેફામ થઈ,
ખૂબ લેવા પ્રેમની સૌગાત, તું રોકાઈ જા.

હાથમાં હૈયું નથી, ઓ મન, વિચારી લે જરા,
આપ ના કોઈયે પ્રત્યાઘાત, તું રોકાઈ જા.

બે પ્રણયઘેલા હૃદયના સંમિલનની રાત છે,
આજ મારું માન, ઓ પરભાત, તું રોકાઈ જા.

કેટલી ‘ચાતક’ ક્ષણોને આંખમાં આજ્યા પછી,
આજ ફુટી છે તરસ, ઓ જાત, તું રોકાઈ જા.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

26 Comments