આપણા ઇતિહાસને બદલી શકાયે શી રીતે ?
એક વીતેલો દિવસ ભૂંસી શકાયે શી રીતે ?
જે સમયની ડાળ પર કલરવ કરેલો આપણે,
ફેર ઊડીને ત્યહીં બેસી શકાયે શી રીતે ?
વીતતાં વીતી ગઈ એ ક્ષણ ન પાછી આવતી,
એકડો પાછા જઈ ઘૂંટી શકાયે શી રીતે ?
એક વેળા પૂછતાં પૂછી લીધેલો જે તમે,
પ્રશ્ન પાછો આપને પૂછી શકાયે શી રીતે ?
રાતદિ મ્હેંકે હવાઓ આપની ખુશ્બો થકી,
યાદ શીશીમાં ભલા પૂરી શકાયે શી રીતે ?
આંખ ભીની છે હજુયે આપના સ્મરણો થકી,
પાંપણોથી એ કદી લૂછી શકાયે શી રીતે ?
જિંદગી ‘ચાતક’ ભલે જલવાનું બીજું નામ છે,
શ્વાસથી આ દીપને ફૂંકી શકાયે શી રીતે ?
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
10 Comments