Press "Enter" to skip to content

Month: April 2012

કોના વિશે લખવું છે ?

રોજ સવારે મનજી પૂછે કોના વિશે લખવું છે,
વીતી વાતો કે આગમની ઘટના વિશે લખવું છે ?

પ્રેમ, વ્યથા, સંબંધો ને સંવેદનભીની વાતો કે,
કોઈ કહાની, સપનું કે દુર્ઘટના વિશે લખવું છે ?
*
ચીલાચાલુ લખનારા છે લોક હજારો, મારે તો,
ચીલો ચાતરનારા કોઈ અદના વિશે લખવું છે.

રાત, દિવસ, મહિનાઓ જેના ખાખ થયા મંઝિલ કાજે,
હૈયામાં ઉઠેલા એના દવના વિશે લખવું છે.

મનના કોઈ અગોચર ખૂણે ધૂપસળી સમ જલનારા,
જીવનને બળ આપે એવા સપના વિશે લખવું છે.

એકમેકના હૈયા સુધી પ્હોંચે છે રસ્તાઓ જ્યાં,
ભૂલાયેલા ગામ અને ઘર અપના વિશે લખવું છે.

જેના આશિષથી જીવનના છોડ કદી મૂરઝાયા ના,
દેવ સમાં સઘળાંયે પૂર્વજ ઘરના વિશે લખવું છે.

સપ્તપદીના ફેરા, વચનો, દુનિયાની રીતરસ્મો વિણ,
ગૂંથાયેલા પ્રેમસબંધ ભવભવનાં વિશે લખવું છે.

રાતરાતના જાગી ભૂખ્યા બાળ રડે ના એ માટે,
હૈયાસરસો ચાંપી સૂતી માના વિશે લખવું છે.

ઘૂંટ દૂધનો ના મળવાથી કંઠ સૂકાયો છે જેનો,
પીધા આંસુ કેવળ જેણે ઊના, વિશે લખવું છે.

જેની ભીંતે ટૂંટિયું વાળી ઠંડીમાં સૂતેલા બાળ,
એના ઘરમાં ઠુંઠવાયેલા સોના વિશે લખવું છે.

એક એક બૂંદો માટે તરસીને સીંચી જેણે પ્યાસ,
ઈંતજારમાં વીતી સઘળી પળના વિશે લખવું છે.

પર્વત, દરિયો, ઝાકળ, ખુશ્બુ, વીજળી, વર્ષા ને વાદળ,
ઈશ્વરની અદભુત અજાયબ રચના વિશે લખવું છે.

કેટકેટલા વિષયો લખવા માટે હાજર ‘ચાતક’જી,
તોય વિચારો વ્યર્થ હજી કે શાના વિશે લખવું છે ?

શબ્દરૂપે સંગીત શ્વાસનું રેલાતું જીવનપથ પર,
મૌન અચાનક આવી પૂછશે, યમના વિશે લખવું છે ?

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

8 Comments

આંખો સજલ નથી


[Painting by Donald Zolan]

હૈયું રડે છે તે છતાં આંખો સજલ નથી,
આ લાગણીનાં દોસ્ત, પુરાવા સરળ નથી.

રસ્તે જતાં ને આવતાં દૃશ્યોની લઉં મઝા,
મંઝિલને પામવા ભલા મારી સફર નથી.

આપી હૃદયને દર્દની અણમોલ ભેટ તેં,
તારી કૃપામાં ઓ પ્રભુ, કોઈ કસર નથી.

બાળક, યુવાન, વૃદ્ધ ને અંતે મરણ થતું,
જીવનની વારતા અહીં એવી સરળ નથી.

માણસ બિચારો રાતદિ બેચેન થઈ ફરે,
સૂવાનું કોણ ક્યાં, કદી કહેતી કબર નથી.

‘ચાતક’ કલમથી શું લખે કોઈના દર્દને,
આંસુથી ફાંકડી ભલા કોઈ ગઝલ નથી.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

10 Comments

એના અભાવમાં

કેવી ઘટી હશે ભલા ઘટના તળાવમાં,
રોઈ રહ્યાં છે માછલાં જળના પ્રવાહમાં.

માણસ કરી ગયો ફરી સંબંધની કતલ
વૃક્ષોની જાત એટલે સઘળી તનાવમાં.

આંસુને લૂછવા વિહગ આવી શકે નહીં,
ટહુકાઓ મોકલી દીધા એથી ટપાલમાં.

બેચેન થૈ જવા સુધી પ્હોંચી ગઈ કથા,
ઉછળી રહ્યો છે એટલે સાગર લગાવમાં.

ઉત્તર ગળી શકાય ના પૂછેલ પ્રશ્નનો,
પૂછો નહીં સવાલ તો એના જવાબમાં.

ચાતક, તમે મઢો હવે તસ્વીર આંખમાં,
જીવાય અન્યથા નહીં એના અભાવમાં.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

11 Comments

પડછાયો છે

કોઈ દિવસ હું રડી પડું, પણ બોસ, સખત પડછાયો છે,
મારો હમદમ, મારો એક જ દોસ્ત, ફકત પડછાયો છે.

હર્ષ-શોકના દ્વંદ્વયુદ્ધમાં હાર-જીત છે પળપળની,
હોય ગમે તેવી ક્ષણ છોને, સાથ સતત પડછાયો છે.

તેજ-તિમિરના આટાપાટા, દૃશ્ય જગતની માયાજાળ,
આંખોના અખબાર મથાળે કોણ લખત પડછાયો છે.

સૂરજના ઉગવાનું કારણ સમજણની સીમા પર છે,
પૂછો જઈ એને કે એનો એક ભગત પડછાયો છે.

હાડ-ચામની પેટીમાં નિત શ્વાસોની આવન-જાવન,
માણસની હસ્તી શું આખર, એજ કહત, પડછાયો છે.

‘ચાતક’ તારી કિસ્મતમાં પણ ક્યાંક લખેલો છે સૂરજ,
હાથ ભલે લાગે જે તુજને સર્વ વખત, પડછાયો છે.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

11 Comments

ગરીબ મા


[Painting : Amita Bhakta]

બાળક છે કુખમાં અને ચ્હેરો ઉદાસ છે,
આંખોમાં કેટકેટલાં સ્વપ્નોની લાશ છે.

કેવળ સુખોની કલ્પના જ્યોતિ ધરે નહીં,
હૈયું જલે છે એટલે ઘરમાં ઉજાસ છે.

વરસી શકી ન ચાંદની એના છજા ઉપર,
પૂનમની રાત આંગણે, ભીતર અમાસ છે.

કેવી વિવશ હશે જુઓ, પાવા કશું નથી,
બહાનું કરે છે એટલે, તૂટ્યો ગિલાસ છે.

આશાનો દોર સાંધવા કોશિશ કરી રહી,
જીવન વિશે કદાચ એ બેહદ નિરાશ છે.

‘ચાતક’ કઈ રીતે કહે દર્દોની દાસ્તાન,
જે પણ મળે છે એમને સુખની તલાશ છે.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

11 Comments

મૂંઝવણમાં હતો

આયનો એથી જ આજે કૈંક મૂંઝવણમાં હતો,
આભને અજવાળનારો ચાંદ આંગણમાં હતો.

આંખમાં થીજી ગયેલાં વાદળાંઓની કસમ,
એક તરડાયેલ ચહેરો ક્યાંક દર્પણમાં હતો.

લાગણીની વાત આવી, પાંપણો વચ્ચે પડી,
કેટલો વિશ્વાસ એને ડૂબતાં જણમાં હતો.

ખુબસુરત છોકરીથી વાત કરવી શી રીતે,
ગામનો પ્રત્યેક વ્યક્તિ એના સગપણમાં હતો.

જીતવા માટે ભલા, મારા પ્રયત્નો ક્યાં હતા,
હારવું શી રીતથી એની જ ગૂંચવણમાં હતો.

ઝાંઝવા પાછળ ભટકતી હસ્તરેખાઓ મળી,
એટલે મુકામ મારો કાયમી રણમાં હતો.

જિંદગીનો મોહ ‘ચાતક’ જિંદગી સાથે ગયો,
મોતનો અફસોસ કેવળ આખરી ક્ષણમાં હતો.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

9 Comments