રોજ ચણું છું પાંપણ વચ્ચે જૂનું ઘર હું ફળિયામાં,
ભીંત ચીતરી જેની હૈયે ક્ષણને બોળી ખડિયામાં.
વંશવેલ વીંટળાઈ જેને ફાલી-ફૂલી, વૃક્ષ બની
શોધું મૂળિયાં એનાં ઊભા જીર્ણ અડીખમ સળિયામાં.
પાડોશીનો પ્રસંગ, ઘરનો ઉત્સવ; એનું દુઃખ, પીડા,
દુઃખિયારાની છત ટપકે તો નેવાં ઘરનાં નળિયામાં.
બાએ પીરસેલા ભાણાંની લિજ્જત મહેકાવે મનને,
સ્વાદ યથાવત હજીય એનો ચણીબોરનાં ઠળિયામાં.
બાના હાથેથી ઊભરાતું વ્હાલ અડે મન-અંતરને,
તેલ ઘસીને કેશ ગૂંથે છે સ્મરણો મારા પળિયામાં.
એજ હીંચકો, એજ રવેશી, કાતરિયું, ભીંતો, બારી,
કેટકેટલી યાદો એની ખૂંપી પગનાં તળિયામાં.
બચપણનાં દિવસોનો મારો મહેલ ચણી આપે મુજને,
મળશે એવી ક્યાંય કુશળતા આજકાલના કડીયામાં ?
ક્ષણની ટિક્ ટિક્ માંથી નીકળી આજ જવું પાછા મારે,
હૈયાની વાતોને ચીતરું કેમ કરી કાગળિયામાં.
‘ચાતક’ વીતેલા દિવસોના મેળામાં ભટકી ભટકી,
છલકાઈ છે આંખો મારી આજ ફરી ઝળઝળિયામાં.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
7 Comments