Press "Enter" to skip to content

Month: November 2011

માધવ મળે નહીં

આંખોમાં ઈંતજારના કાગળ મળે નહીં,
રાધા થયા વિના અહીં માધવ મળે નહીં.

સીતાની શોધમાં ભલે ભટક્યા કરે જગત,
નિષ્ફળ રહે તલાશ જ્યાં રાઘવ મળે નહીં.

એ દ્વારિકા-અધીશ પણ કંગાળ કેટલો,
ગોપીજનોના પ્રેમનો પાલવ મળે નહીં.

હૈયાની વેદના લખે રાધા કઈ રીતે,
પ્હોંચી શકે ભવન સુધી વાદળ મળે નહીં.

કા’નાના નામથી સતત ભીંજાય આંખડી,
રોકી શકે વિષાદને સાંકળ મળે નહીં.

‘ચાતક’ કહી શકત કદી ઉત્તરમાં એમને
જોયા, પરંતુ નામમાં યાદવ મળે નહીં.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

7 Comments

તને જોયા પછી…

તું બની જાશે કળી, તો ફૂલ મુરખ ચૂંટશે,
સર્વ જગ માળી બની તારી મધુરતા લૂંટશે.

ક્યાંક મૃગજળને હરણ થઈ દોડવા ઈચ્છા થશે,
ક્યાંક તારી પ્યાસથી આખોય સહરા ખૂટશે.

ને અમાસી રાત બનશે કો નવોઢા ચાંદ સમ,
તારલા એકાદ-બે આંસુ રૂપાળા ઘૂંટશે.

સ્વપ્નનો વિસ્તાર આંખોથી વધી આગળ જશે,
આભમાં ઊંચા મિનારા પત્થરોના તૂટશે.

એક જીવતરને સમાવી શ્વાસમાં બેઠા પછી,
એક ઈચ્છાનો સમંદર ક્યાંક ‘ચાતક’ ફૂટશે.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

5 Comments

સાક્ષરો મળતા નથી

જ્ઞાનની કોઈ કિતાબોમાં હવે મળતા નથી,
શબ્દ ઘરની બ્હાર શું સાચે જ નીકળતા નથી?

પ્રેમનો સાચો અરથ સમજાવવા દુનિયામહીં,
કેમ થોડુંયે ભણેલા સાક્ષરો મળતા નથી?

‘હું’ અને ‘તું’ ત્યાગ કરતાં સહજીવન ઉત્સવ થતું,
દૂધમાં શાને છતાં સાકર સમા ભળતા નથી?

આંખના મોઘમ ઈશારે જે સમજતાં હાલ-એ-દિલ,
રૂબરૂમાં એ જ  દિલની વાત સાંભળતા નથી !

વ્યર્થ ‘ચાતક’ લાગણીના ગામમાં સૂરજ થવું,
બર્ફના પ્હાડો હવે ઉષ્માથકી ગળતા નથી.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

9 Comments

લાગણીનો રંગ

લાગણીનો રંગ ઘેરો હોય છે,
આંખમાં એનો જ ચ્હેરો હોય છે.

શ્વાસ, ધડકન કે વિચારોના વમળ
હર તરફ એનો જ પહેરો હોય છે.

એ મળે તો એમ લાગે રણમહીં,
ચોતરફ સાગરની લ્હેરો હોય છે.

સાવ સીધી વાતમાં ઢાળે નજર,
પાંપણોમાં ભેદ ગહેરો હોય છે.

એમને કુરબાન મારી સૌ દુઆ,
પણ ખુદા, તું કેમ બ્હેરો હોય છે.

એ નદી થઇને નહીં આવી શકે,
એટલે ચિક્કાર નહેરો હોય છે ?

ઝાંઝવાનો દેશ ‘ચાતક’ને ફળે,
શક્યતા નામેય શહેરો હોય છે.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

11 Comments

મોતને મારી શકે ?

કાળને ક્યારેક હંફાવી શકે,
આદમી શું મોતને મારી શકે ?

ને કિનારે રાહ જોતા સેંકડો,
એકને મઝધારથી તારી શકે ?

આગિયાના તેજથી ઝળહળ બની,
કોઈ સૂરજને કદી ડારી શકે ?

શ્વાસ ને સંવેદનાના જે ધની,
જિંદગીને કોઈ દિ’ હારી શકે ?

એક શીશી પારકા ગ્લિસરીનથી
કોઈ આંસુ ક્યાં સુધી સારી શકે ?

તું પ્રતીક્ષાની કરે ફરિયાદ, પણ
નામ ‘ચાતક’ એ વિના ધારી શકે ?

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

10 Comments