Press "Enter" to skip to content

Month: October 2011

શબ્દથી કોશિશ કર

[audio:/yatri/koshish-kar.mp3|titles=Koshish Kar|artist=Yatri]
(તરન્નૂમ – રાજૂ યાત્રી)

મીતિક્ષા.કોમ ના સર્વ વાચકમિત્રોને શુભ દિપાવલી તથા નૂતનવર્ષની અનેકાનેક શુભેચ્છાઓ

શૂન્યતા તારી ચિતરવા શબ્દથી કોશિશ કર,
વેદના ક્ષણમાં વિસરવા સ્મિતથી કોશિશ કર.

જિંદગીના મર્મને જો જાણવો હો પળમહીં,
તો જરા રોકીને તારા શ્વાસથી કોશિશ કર.

તું કોઈની લાગણીથી ના પલળ તો ચાલશે,
કમ-સે-કમ અહેસાસ કરવા સ્પર્શથી કોશિશ કર.

આગ લાગે તે સમે ના ખોદ ખાડાઓ મૂરખ,
હોય જે સાધન સહજ ઉપલબ્ધથી કોશિશ કર.

અંતવેળાએ સુધરવાના ધખારા છોડ તું,
પામવા મુક્તિ બિરાદર, જન્મથી કોશિશ કર.

રાહ જોવાથી અહીં મંઝિલ મળી આવે નહીં,
તું જ થઈ અસવાર ‘ચાતક’, અશ્વથી કોશિશ કર.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

11 Comments

પ્રેમખજાનો મળવાનો

સાંજ પડે સૂરજ સંધ્યાને છાનોમાનો મળવાનો,
રાત પડે દીવા ઓથે કોઈ પરવાનો મળવાનો.

હૈયાના સુખચેન જાય ને નીંદ થાય કુરબાન પછી,
જીવન માલામાલ કરે એ લ્હાવ મજાનો મળવાનો.

‘હુંય ગમું’ ને ‘તુંય ગમે’, પણ વાત વધી આગળ ના જાય,
એમ બને તો બન્ને વચ્ચે એક જમાનો મળવાનો.

સાગરના હૈયે જલનારો વડવાનલ પોકારે એમ,
હોય કિનારા છલકંતા પણ બેટ વિરાનો મળવાનો.

ધૂપસળી-શો પ્રેમ હશે તો મ્હેંક પ્રસરશે આપોઆપ,
થાવ કમળ તો ભ્રમર સમો કોઈ દિવાનો મળવાનો.

અવરોધોને પાર કરી જે પ્હોંચી ગ્યા મંઝિલની પાર,
‘ચાતક’ એ નરબંકાઓને પ્રેમ-ખજાનો મળવાનો.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

11 Comments

સંભાવનાઓ હોય છે

ગ્રંથની શરૂઆતમાં પ્રસ્તાવનાઓ હોય છે,
અંતમાં ખૂટી પડેલી ધારણાઓ હોય છે.

આવનારી કાલના અંજામની કોને ખબર,
જિંદગી ખોબે ભરી સંભાવનાઓ હોય છે.

દોસ્ત, સાચો પ્રેમ કો’દી મતલબી હોતો નથી,
સો અભાવોનીય વચ્ચે ભાવનાઓ હોય છે.

શોધતાં મળતી નથી જેને ગરીબીની કબર,
જિંદગી એની અવિરત યાતનાઓ હોય છે.

ભેખ જોગીનો ધરીને ચાલવું સ્હેલું નથી,
કૈંક સૂતેલી કમંડલ, કામનાઓ હોય છે.

એક પળ દીદાર એના પામવા ‘ચાતક’ અહીં,
સેંકડો જન્મો કરેલી સાધનાઓ હોય છે.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

12 Comments

દસકંધરો મરતાં નથી

જુલ્મ જારી છે હજી, દસકંધરો* મરતાં નથી,
લાજ લૂંટી જેમણે સીતાતણી, ડરતાં નથી.

એ સમયની છે બલિહારી કે લેતાં રામનું
નામ, જે પત્થર તર્યા’તાં, આજ એ તરતાં નથી.

સત્ય, નીતિ, ન્યાયના હથિયાર સહુ હેઠા પડે,
છે અજાયબ દુર્ગ જેનાં કાંગરા ખરતાં નથી.

ભ્રષ્ટ નેતાથી થઈ જનતા બિચારી ત્રાહિમામ્,
ચૂસતાં ધન જેમનાં ખિસ્સા કદી ભરતાં નથી.

રામરાજ્ય અહીં મળે કેવળ ચુનાવી લ્હાણમાં,
દીનદુઃખીયાનાં કલેજાં જે થકી ઠરતાં નથી.

એ જ તો કારણ નથી ‘ચાતક’ કે મંદિરની ધજા
ફરફરે, ક્યાંયે તિરંગા આજ ફરફરતાં નથી ?

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
(રચના – દશેરો, ૫ ઓક્ટોબર, ૨૦૧૧)

*દસકંધર- દશાનન, લંકેશ,રાવણ

8 Comments

ટોળે વળે ના

સૌ મિત્રોને દશેરા મુબારક હો …

નિરાધાર આંસુ નયનમાં મળે ના,
તિરાડો અમસ્તી હૃદયમાં પડે ના.

હશે કોઈ કારણ મજાનું નહીંતર
ઉદાસી સરેઆમ ટોળે વળે ના.

ગયો હાથમાંથી સરી તીર માફક,
સમય કોઈ કાળેય પાછો ફરે ના.

અરે, કોઈ રોકો હઠીલા સ્મરણને,
જુઓ દર્દ પાછું ફરી સળવળે ના.

હૃદય સાંભરે છે હજુ એજ પગરવ,
નયન આગમનને ભલે સાંભળે ના.

જુઓ સ્વપ્ન ‘ચાતક’ હવે બંધ આંખે
રખે કોઈ આવીને એને છળે ના.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

15 Comments