Press "Enter" to skip to content

Month: May 2011

પરખાય છે

વીરની તલવાર એના મ્યાનથી પરખાય છે,
સિદ્ધની સાચી અવસ્થા ધ્યાનથી પરખાય છે.

કાળજી, પરહેજ, સ્લાહો ને તબીબોની દવા,
અંતમાં દર્દીની તબિયત ભાનથી પરખાય છે.

વર્ષ વીત્યાની ગણતરીથી બધાને તોલ મા,
આદમીની ઉમ્ર એના જ્ઞાનથી પરખાય છે.

સખ્ત મહેનતની મહત્તા આજ પણ ઓછી નથી,
આદમી છોને મળ્યા સન્માનથી પરખાય છે.

એ જ આશાથી હજી હું જાઉં છું મસ્જીદ મહીં,
કમ-સે-કમ ત્યાં આદમી ઈમાનથી પરખાય છે.

આ બહર ને છંદ શીખવાના ઉધામા છોડ તું,
આખરે ‘ચાતક’ ગઝલ તો કાનથી પરખાય છે.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

11 Comments

જિંદગી

ગર્ભમાં નાતો કરે છે જિંદગી,
મ્હેંકમાં વાતો કરે છે જિંદગી.

મૌનના અંધારની વચ્ચે જઈ,
શબ્દને ગાતો કરે છે જિંદગી.

વાંઝણી આંખોમહીં સપનાં જણી,
રેશમી રાતો કરે છે જિંદગી.

શક્યતાનાં બારણાં ખોલી સતત,
કૈંક રજૂઆતો કરે છે જિંદગી.

ક્યાંક આંસુ, ક્યાંક બોખા સ્મિતથી,
અવનવી ભાતો કરે છે જિંદગી.

એક મુઠ્ઠી શ્વાસની છે વારતા,
અંત પડઘાતો કરે છે જિંદગી.

શું હવે અફસોસ ‘ચાતક’ અંતનો,
રોજ શરૂઆતો કરે છે જિંદગી.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

22 Comments

આંખોમાં અંજાય નહીં

સૂરજના કિરણો ચાળીને આંખોમાં અંજાય નહીં,
પડછાયાના રંગોથી ઘર-ભીંતોને રંગાય નહીં.

સપનાનાં વાવેતર કરતાં પાક ઉગે જો વિસ્મયનો,
તો માણસ થઈને, માણસથી કૈં કાચસમું ભંગાય નહીં.

અમૃતમંથનમાંથી નીકળેલું અમૃત ખૂટે પળભરમાં,
અહીં વેર-ઝેરમાં સડતો માણસ, સડવાથી ગંધાય નહીં.

હીરા-મોતી ને વૈભવની છે ભૂખ ભયંકર માણસને,
એ લાખ કરે કોશિશ છોને, અહીં દોલતને રંધાય નહીં.

તું શંકાનો ધાગો લૈને મારે સંબંધો પર બખિયા,
ઓ દોસ્ત, દોસ્તીની ચાદરને એ રીતે સંધાય નહીં.

આ આવરણોની દુનિયામાં ‘ચાતક’ છે ગામ અરીસાનાં,
અહીં ચ્હેરા તો ઢંકાય સહજ પણ જાત કદી ઢંકાય નહીં.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

14 Comments

કેટલા પયગામ છે


[audio:/a/aapni-ankhon-ma.mp3|titles=Aapni ankhon ma|artist=Yatri]
(તરન્નૂમ – રાજૂ યાત્રી)

આપની આંખોમાં છૂપા કેટલા પયગામ છે,
આપની આંખો મદિરા ને નયન મુજ જામ છે.

આપના હોવાથી રોશન થાય છે સાતે ગગન,
આપની ઝુલ્ફો ખુલે તો થાય ઢળતી શામ છે.

આપના સંસ્પર્શથી ઝૂમી ઉઠે આખું ચમન,
આપ ના આવો તો ગુલશનના ફુલો નાકામ છે.

આપને મંઝિલ ગણી કૈં કેટલા શમણાં જીવે,
આપ તો હૈયા ને હોઠોમાં ચણાતું નામ છે.

આપની માસુમિયત પર આ લખેલી છે ગઝલ,
તોય ‘ચાતક’ની કલમ શાને થઈ બદનામ છે.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

14 Comments

મળી આવે કવિતાઓ

પરીની વારતાઓમાં સરી આવે કવિતાઓ,
કદી આંગણમહીં બાળક બની આવે કવિતાઓ.

અવાચક થઈ તમે ઊભા રહો કોઈ ખડકની જેમ
ને ખળખળ ઝરણ થૈને વહી આવે કવિતાઓ.

જીવનભર જેમને સંવેદનાઓ સ્હેજ ના સ્પર્શી,
હવે એની કબર પર જઈ રડી આવે કવિતાઓ.

મળે છે લોહીથી લથપથ બધા અખબારનાં પાનાં,
હવે અખબારના પાને નહીં આવે કવિતાઓ.

જરૂરી તો નથી કે હર પ્રણયનો અંત સુખમય હો,
અધૂરી વેદનારૂપે મળી આવે કવિતાઓ.

વરસ તું પ્રેમમાં એવું, કિનારા ઓગળી જાયે,
અને સામા પ્રવાહે કૈં તરી આવે કવિતાઓ.

હૃદય-સંવેદનાની એક મુઠ્ઠી ચણ પડે ‘ચાતક’,
ગગનમાંથી ફટાફટ ઊડતી આવે કવિતાઓ.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

14 Comments

કોઈ પરપોટો નથી

એક ક્ષણ હું હોઉં છું ને એક ક્ષણ હોતો નથી,
તે છતાં મારી હયાતી કોઈ પરપોટો નથી.

પર્ણ પર ઝાકળ થઈ ઝળહળ થનારો માનવી
હું, જીવનના મર્મને પળવારમાં ખોતો નથી.

લાગણી, સંવેદના કેવળ કવિને હાથ છે,
જિંદગીને ગદ્યરૂપે હું છતાં જોતો નથી.

અંધ ‘મા’ ની આંખમાં એ પ્રશ્ન જોઈને રડ્યો,
કેમ બાળક જન્મતાંની સાથમાં રોતો નથી ?

કોયડો આપીશ ના જેને ઉકેલી ના શકું,
જિંદગી તુજ પ્રશ્નનો ઉત્તર ખરો-ખોટો નથી.

લોક ‘ચાતક’ કહી ભલે બિરદાવશે ધીરજ છતાં,
મોતની પાસે પ્રતીક્ષાનો સમય હોતો નથી.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

13 Comments