Press "Enter" to skip to content

Month: November 2010

તો શું શું થતે

ચાંદની રાતે થતે પરભાત તો શું શું થતે,
આંગણે અવસર હતે રળિયાત તો શું શું થતે.

બંધ આંખોમાં હતો જે સ્વપ્નનો મેળાવડો,
એ હકીકતમાં યદિ પલટાત તો શું શું થતે.

જે ગયા મઝધારમાં પાછા કદી આવે નહીં,
એ કિનારાને હતે જો જ્ઞાત તો શું શું થતે.

આયખું એંઠું કરી જેઓ ગયા સમશાનમાં,
એમને જો મોત આપત માત તો શું શું થતે.

જેમની આદત સુંવાળી શેષશૈયા પર શયન,
એ ધરા પર ઠોકરો જો ખાત તો શું શું થતે.

શ્વાસનું આવાગમન ‘ચાતક’ પળોની વાત છે,
જિંદગી પળમાં જ વીતી જાત તો શું શું થતે.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

14 Comments

વિસ્તાર વધતો જાય છે

લાગણીના ગામનો વિસ્તાર વધતો જાય છે,
એમ લાગે છે, જગતમાં પ્યાર વધતો જાય છે.

સરહદો કાયમ રહે પણ ના રહે શિકવા-ગીલા,
તો ખરેખર થાય કે સહકાર વધતો જાય છે.

આખરે સ્વીકાર થાશે એમની હસ્તી તણો,
ધારણાના બળ ઉપર તોખાર વધતો જાય છે.

એ જ કારણથી કબીરા પોક મૂકીને રડે,
આજકલ કાશી-અવધ યલગાર વધતો જાય છે.

આંખના આંસુ હૃદયની લાગણીને છેતરે,
વાતમાં કૈં તથ્ય છે કે ક્ષાર વધતો જાય છે.

કેટલી સંવેદનાઓને તમે ખાળી શકો ?
એ જ કારણ છે, કલમ પર ભાર વધતો જાય છે.

વાસ્તવિકતાની કચેરીમાં પડે પગલાં પછી,
સિર્ફ ‘ચાતક’ સ્વપ્નનો દરબાર વધતો જાય છે.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

15 Comments

રેશમી સાંકળ હશે

સ્મિત એનું રેશમી સાંકળ હશે,
કે હૃદયને ખોલવાની કળ હશે ?

આ નિરક્ષર લાગણીને શું ખબર,
એમની આંખોમહીં કાગળ હશે.

એ સતત સાથે રહી સ્પર્શ્યાં નહીં,
જેમ કોઈ પર્ણ પર ઝાકળ હશે.

સાત પગલાંની સફર માંડી હતી,
એ ખબર ન્હોતી વિઘન આગળ હશે.

એ ખડક હોવાનો દાવો શું કરે,
શું ફુટેલા તૃણ બધા પોકળ હશે?

વેદનાની વાટ લાંબી હોય છે,
શક્ય છે, બાકી હજુ અંજળ હશે.

હર પ્રતીક્ષાનો સુખદ અંજામ છે,
કો’ક દિ ચાતક ઘરે વાદળ હશે.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

17 Comments