શબ્દ એના ઘર સુધી ક્યાં જાય છે ?
માર્ગમાં એ તો ફકત ઢોળાય છે.
રાત-દિ કોશિશ કરો તોયે કદી,
આયનામાં જાત ક્યાં ખોળાય છે?
એક અણધાર્યું મિલન એનું હજી
સ્વપ્ન થઈ આંખોમહીં ઘોળાય છે.
લોહીના સંબંધ પણ અક્ષત નથી,
લાગણીઓથી સતત ડહોળાય છે.
દર્દની બારાખડી ઘૂંટો પછી,
આ કલમને શ્યાહીમાં બોળાય છે.
લ્યો ધરમકાંટો તમે ઉન્માદનો,
સ્પર્શ ‘ચાતક’ એમ ક્યાં તોળાય છે?
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
17 Comments