Press "Enter" to skip to content

Month: September 2010

રાતભર

શ્વાસમાં શ્વાસો સરે છે રાતભર,
લાગણીઓ ખળભળે છે રાતભર.

ઘુંટ પીવા રેશમી પરછાંઈના,
વ્યર્થ આદમ સળવળે છે રાતભર.

નૂર આંખોમાં ભરીને ચાંદનું,
તારલાઓ ઝળહળે છે રાતભર.

સાંજનું મન રાખવા સૂરજ થઈ
કૈંક દીપક કરગરે છે રાતભર.

એક-બે સપનાં બની પારેવડાં,
સાવ સૂનાં ફડફડે છે રાતભર.

આંખમાં અશ્વો પ્રતિક્ષાના હશે,
કેમ ચાતક હણહણે છે રાતભર ?

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

16 Comments

પલકોની પેલે પાર


મિત્રો, સ્વપ્નજગતની વાસ્તવિકતાને વાચા આપતું ગીત.

સપના કહે છે મને સપનામાં આજકાલ,
શું તું મને મળી શકે પલકોની પેલે પાર ?

આઠે પહોર રાત ને તડકા પડે નહીં,
મનમાં ફૂટેલ વાતના પડઘા પડે નહીં,
ટહુકાઓ ના કરે અહીં ચૂપકીદીઓ ફરાર … સપના.

ઘૂંઘટને ખોલતી નથી કળીઓ સવારમાં,
ભમરાઓ ડોલતાં નથી અહીં તો બહારમાં,
કલકલ નિનાદ ના કરે ઝરણાંઓ કોઈ વાર … સપના.

ઝાકળનું બુંદ થઇ તને સ્પર્શી શકું નહીં,
ચાતકની જેમ હું કદી તરસી શકું નહીં,
મેઘધનુના ઢાળ પર રહેવું પડે ધરાર … સપના.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

9 Comments

પ્રાણવાયુ મેળવી લઉં છું


(તસવીર – નિસર્ગના ખોળે, દલાઈ લામાના નિવાસસ્થાન મેક્લીયોડગંજની પાસે આવેલ ભાગસુનાગ ગામથી ઉપર પર્વતીય આરોહણ દરમ્યાન, હિમાચલ પ્રદેશ, એપ્રિલ 2010)

તમારી યાદમાંથી પ્રાણવાયુ મેળવી લઉં છું,
પછી એમાં સુગંધીઓ ફૂલોની ભેળવી દઉં છું.

ફરી કિલ્લોલતાં ટોળે વળે છે શ્વાસના પંખી,
જીવનને આંગણેથી જિંદગાની સેરવી દઉં છું.

તમારા સ્વર્ગસુંદર સ્નેહભીના સ્પર્શને મોઘમ,
મઢી મારા જ મનની ભીંત પર હું ભેરવી દઉં છું.

તમે ખળખળ ઝરણ થઈને વહો છો શૂન્યતાઓમાં,
છતાં પડઘા ગણી હું રોજ મનને કેળવી દઉં છું.

પ્રતીક્ષાની પળો વીતાવવી ના સ્હેલ છે ‘ચાતક’,
સમય થઈને ઘડીના બેય કાંટા ફેરવી દઉં છું.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

14 Comments